Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગોઠવી વન ટુ વન બેઠક : પેટાચૂંટણીની આઠ બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે વહેલાસર તૈયારીઓનો ધમધમાટ

કેન્દ્રીય ચૂંટણી પંચ વિધાનસભાની પેટાચૂંટણીની ગમેત્યારે જાહેરાત કરી શકે છે જેના પગલે ભાજપ-કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધો છે. ખાસ તો ઉમેદવારોની પસંદગીમાં મોડા રહેતા કોંગ્રેસે આ વખતે તો તેના હરીફ એવા ભાજપથી વહેલા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જે સંદર્ભે પ્રભારી રાજીવ સાતવ ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કોંગ્રેસે નીમેલા ઇન્ચાર્જ સાથે રાજીવ સાતવ બેઠક કરવાના છે અને ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરી નિર્ણયો લેવાના છે.આ તમામ ૮ બેઠકો પર ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપશે. ત્યારબાદ ઉમેદવારની પેનલ દિલ્હી હાઇકમાન્ડને મોકલવામાં આવશે.

સવારે ૧૧ કલાકે કોંગ્રેસ ભવન ખાતે વન ટુ વન બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ શકે છે. જેમાં ૬ મહાનગર પાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે.

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને રાજીનામુ ધરી દીધુ હતુ જેના કારણે આ ખાલી પડેલી બેઠકો પર હવે પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતીએ સવારે ૧૧ વાગ્યાથી બેઠકોનો દોર શરૂ થયો છે.

આઠેય બેઠકોના નિરીક્ષકો ઉપરાંત જે ધારાસભ્યોને બેઠક દીઠ જવાબદારી સોંપવામાં આવી છે તેમની સાથે વન ટુ વન બેઠક યોજવામાં આવશે. કયા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવો તેની પેનલ પણ બનાવી હાઇકમાન્ડને મોકલી આપવામાં આવશે.

આમ, આજે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં  કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગીનો ધમધમાટ શરૂ થયો છે.

પેટાચુંટણી બાદ પ્રદેશ કોંગ્રેસનું માળખુ થશે જાહેર

કોંગ્રેસનું પ્રદેશનું માળખુ છેલ્લા એક વર્ષથી જાહેર થયું નથી આ અંગે અનેકવખત કોંગ્રેસ દ્વારા નિર્ણયો લેવાના પ્રયત્નો કરાયા હતા પરંતુ અંત સુધી માળખુ જાહેર થઈ શકયું ન હોય આ મુદ્દે અનેક તર્ક-વિતર્ક રાજકિય ક્ષેત્રમાં જોવા મળી રહ્યા છે પરંતુ હવે પેટાચુંટણી બાદ પ્રદેશ કોંગ્રેસનું માળખુ જાહેર થાય તેવી પ્રબળ શકયતાઓ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.