Abtak Media Google News

કોંગ્રેસનો પોલીસને સણસણતો સવાલ

સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વડાપ્રધાનની અપીલના ધજજીયા ઉડતા હોવાનો આક્ષેપ

શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરે સ્વયંભુ ભકતો દર્શનાર્થે ઉમટયાં હતા આથી પોલીસે મંદિરના પુજારી સામે ગુન્હો નોંઘ્યો છે. આ અંગે શહેર કોંગ્રેસે પોલીસને સણસણતો સવાલ કર્યો છે કે જયારે રામનાથ મંદિરે સ્વયંભૂ ભાવિકો ઉમટયા તો પુજારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે ભાજપ કાર્યાલયના ખાતમુહર્તમાં પણ મોટીલોકો એકત્રીત થયા હતા તેનીસામે કેમ કોઇ પગલાં લેવાયા નથી. આ ઉપરાંત કોંગી અગ્રણીએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની વડાપ્રધાનની અપીલના પણ ધજજીયાં ઉડાડયાં હોવાનો આક્ષેપ કર્યો છે.

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ માત્ર આરતી સમયે રામનાથ મહાદેવના દર્શન બંધ રહેશે. બાકીના સમયમાં સોશ્યલ ડિન્ટન્સ સાથે ભાવિકો દર્શન કરી શકશે.

મહાપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવારે રાજકોટના આરાધ્ય તેવા દેવોના દેવ શ્રી રામનાથ મહાદેવજીના મંદિરે સાંજના સમયે પ્રથમ શ્રાવણમાસના સોમવારની આરતી હોય ત્યારે કોઈ ભક્તો ને બોલાવવા જવા પડતા નથી પરંતુ શ્રદ્ધા એટલી બધી છે કે ભક્તોનું ઘોડાપુર ઘુઘવ્યું હતું અને તે જ દિવસે ભારતીય જનતા પક્ષના કાર્યાલયનો ખાતમુહૂર્ત પ્રસંગે આગેવાનો અને કાર્યકરોને આમંત્રણ આપી બોલાવ્યા હતા એક અંદાજ મુજબ આ સ્થળે ૨૫૦-૩૦૦ લોકો એકઠા થયા હતા જેમાં મહિલાઓને ખાડામાં ઉતરવાની ધક્કામુક્કીમાં પૂર્વ ધારાસભ્ય અને મેયરના પગ લપસ્યા હતા અને બેલેન્સ ગુમાવવું પડ્યું હતું જે સમગ્ર ગુજરાતની અને રાજકોટની જનતાએ જોયું હતું એકતરફ મંદિરમાં ચાર થી વધારે લોકો એકઠા થયા છે અને સોસીયલ ડિસ્ટન્સ જળવાયું નથી તેમ કહી રામનાથ મહાદેવજીના મંદિરના પુજારી સમક્ષ ગુન્હો નોંધવામાં આવે છે અને ગુન્હો નોંધવામાં પોલીસ પોતાની પીઠ થપથપાવતી હોય તેવું લાગે છે તો તેની સામે  એક જ દિવસે સત્તા ઉપર બેઠેલ પક્ષ પોતે સત્તાના મદમાં તમામ પ્રકારના નિયમો અને ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી ૨૫૦-૩૦૦ લોકો એકઠા થઇ ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરે છે તો શું ત્યાં પોલીસને પોતાનું પરાક્રમ બતાવવાની ત્રેવડ નથી ? અમે પોલીસને આ વિષે ભાજપ સામે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે હવે જોઈએ છીએ કે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ ? પોતાની તાકાત બતાવે છે કે કેમ ? અને જો બતાવશે તો અમે પોલીસને પીઠ થપથપાવવા જશું અને એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન  સોસીયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરે છે ત્યારે તેના કાર્યકરો જ આ અપીલનો ઉલ્લંઘન કરતા હોય અને મુખ્યમંત્રી અને વડાપ્રધાનની અપીલના ધજ્જિયાં ઉડાડતા હોય તેવું જાહેરમાં દેખાય છે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા એક ને ખોળ અને બીજાને ગોળ જેવી ખોરી ટોપરા જેવી નીતિ અખત્યાર કરી રહ્યા છે.

રામનાથ મહાદેવનું મંદિર રાજકોટની અને સૌરાષ્ટ્રની જનતાનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ભાજપના જ લોકો દ્વારા છેલ્લા બે વર્ષથી મહાદેવના મંદિરનું ડેવલપમેન્ટનું કામ અટવાઈને પડ્યું છે કે સમગ્ર રાજકોટની જનતા દરરોજ જોવે છે ત્યારે ધર્મના નામે મત માંગવા વાળા પોતાના હાથમાં સત્તા હોવા છતાં ભગવાનનું કામ શા માટે ટલ્લે ચડાવ્યું છે કામ કેમ પૂર્ણ કરતા નથી અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે ભગવાન રામનાથ મહાદેવના મંદિરનું કામ પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.