Abtak Media Google News

મહેસુલ વિભાગનું જાહેરનામું, હવે ૨૮ સોસાયટીઓમાં મિલકતના વેચાણ માટે ફરજિયાતપણે જિલ્લા કલેકટરની મંજૂરી લેવી પડશે

કોમન સિવિલ કોડની વાસ્તવિક અમલવારી થતી ન હોય, વ્યવહાર અને રીતભાત હજુ પણ ૧૮મી સદીના હોય તેવો ઘાટ

રાજકોટમાં પ્રથમ વખત મકાન માલિકોની હાલાકી અને કોમી શાંતિ જાળવવા પ્રથમ વખત અશાંતિ ધારો લાગુ પડ્યો છે. મહેસુલ વિભાગે આ મામલે જાહેરનામુ પ્રસિદ્ધ કરી શહેરની ૨૮ સોસાયટીઓમાં મિલકતના વેચાણ માટે જિલ્લા કલેકટરની મંજૂરી ફરજીયાત બનાવી દીધી છે. રાજકોટમાં પ્રથમ વખત અશાંતિ ધારો લાગુ કરવાની આ ઘટનાથી કોમન સિવિલ કોડની વાસ્તવિક અમલવારી થતી ન હોય, વ્યવહાર અને રીતભાત હજુ પણ ૧૮મી સદીના હોય તે ઉજાગર થયું છે.

શહેરમાં ઈતિહાસમાં પ્રથમ વખત અશાંતિ ધારુ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટની ૨૮ સોસાયટીમાં હવે મિલકત વેચાણ માટે મંજૂરી જરૂરી બનાવી છે. જેમાં રાજકોટ શહેરના છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈ નગર સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક, રેસકોર્ષ પાર્ક સહિતની ૨૮ સોસાયટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાવર મિલકતનું હસ્તાંતરણ રાજકોટ જિલ્લા કલેકટરની મંજૂરી વગરનું હશે તો રદ્દબાતલ ગણાશે. આ અશાંતધારો ૧૩ જાન્યુઆરી ૨૦૨૧થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી લાગુ રહેશે. આ સોસાયટીઓમાં હવે પછી થી સ્થાવર મિલકતોનું હસ્તાંરણ માટે જિલ્લા કલેકટરની મંજૂરી જરૂરી બની રહેશે. રાજકોટ મનપાની ચૂંટણી પહેલા અશાંતધારો લાગુ કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. શાંત રાજકોટમાં પહેલીવખત અશાંતધારો લાગુ કરવાની નોબત આવી તેને લઈને અલગ અલગ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની અનેક સોસાયટીઓમાં હજુ અંદરખાને કોમી વિખવાદ જોવા મળી રહ્યા છે. હજુ પણ લોકો ૧૮મી સદીની વિચારધારાથી જોડાયેલા છે. જેથી મહેસૂલવિભાગ દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કોઈ વર્ગ વિગ્રહ ન થાય કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે આગોતરું પગલું લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

‘શાંત’ રાજકોટમાં ‘અશાંત’ ધારો: અનેક તર્ક વિતર્ક

રાજ્યમાં ભૂતકાળમાં કોમી તોફાન, હુલ્લડ થયા છે. જેમાં વર્ષ ૧૯૯૧માં ચીમનભાઈ પટેલની સરકારે વર્ષ ૧૯૮૬ના અશાંત ધારામાં ઘણા સુધારા કર્યા હતા. અને આ સુધારા સાથે તેને લાગુ કરવાની ઘોષણા કરી હતી. જ્યારે બીજી તરફ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર, વડોદરા શહેર અને સુરત શહેરના કેટલાક સ્થળો અને વિસ્તારોએ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પહેલીવાર અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે શાંત ગણાતા રાજકોટમાં પહેલીવખત અશાંત ધારો લાગુ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

કઈ કઈ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ?

છોટુનગર કો.ઓપ.હાઉસિંગ સો. લી., નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈનગર સોસાયટી, આરાધના સોસાયટી, સ્વસ્તિક સોસાયટી, પ્રગતિ સોસાયટી, ઇન્કમ ટેક્ષ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી, દિવ્યા સિદ્ધિ સોસાયટી, જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરુનગર સોસાયટી, રાજનગર સોસાયટી, અલકાપુરી સોસાયટી

અશાંત ધારો એટલે શું?

જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.