Abtak Media Google News

રાજકોટ જિલ્લાની ૨૫૪ ગ્રાન્ટેડ, ૪૩ સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રશ્નોનો સ્થળ પર જ થશે નિકાલ : ધોરાજી અને જામકંડોરણાની શાળાઓના પ્રશ્નો ઉકેલાયા

રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે ડી.ઈ.ઓ. દ્વારા ’મુકામ શાળા’ નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત ફાજલ શિક્ષકો, પ્રવાસી શિક્ષકો અને શિક્ષકોના પેન્શન સહિતના પ્રશ્નો માટે ડી.ઈ.ઓ. કચેરીએ ધક્કા ખાવા નહીં પડે.રાજકોટ જિલ્લાની ૨૫૪ ગ્રાન્ટેડ, ૪૩ સરકારી માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ.ઉપાધ્યાયએ  ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થળ પર પ્રશ્નોનોના નિકાલ માટે મુકામ શાળા અભિયાનનો પ્રારંભ હાથ ધરવામાં આવ્યો છે આ એક નવતર પ્રયોગ છે જેનાથી હવે શિક્ષકોને ડી.ઇ.ઓ કચેરી સુધી ધક્કા ન ખાવા પડે. લગભગ સત્રના અંત સુધીમાં રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં મુકામ અભિયાન સંપન્ન થઈ જશે. અલગ – અલગ તાલુકાની શાળાના નાના – મોટા પ્રશ્નો માટે આચાર્ય કે શિક્ષકને રાજકોટ ડી.ઈ.ઓ. કચેરી સુધી આવવું પડતું હતું. જેને લીધે આચાર્ય કે જે – તે શિક્ષકનું ટિકિટ ભાડું બગડે, એક દિવસ બગડે અને તે દિવસે શાળામાં શિક્ષણ કાર્ય પણ ન થાય. જેથી આ સમસ્યા દૂર કરવા માટે રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં ’મુકામ શાળા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત શાળાઓના પ્રશ્નો જેવા કે પ્રવાસી શિક્ષકની જરૂરિયાત હોય, ગ્રાન્ટ માટે ઓડિટ, વર્ગ ઘટાડો, શિક્ષકની ખાલી જગ્યા, વિદ્યાર્થીની જન્મ તારીખ, જ્ઞાતિના સુધારો અને પેન્શન કેસનો સમાવેશ થાય છે. જે – તે તાલુકાની શાળાના આ પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે ’મુકામ શાળા’ અભિયાન છે. પ્રથમ દિવસે ધોરાજી તાલુકાની ૨૧ ગ્રાન્ટેડ અને ૨ સરકારી શાળામાં ઇન્સ્પેક્શન કરાયું અને ત્યાંની શાળાના ૧૬ માંથી ૧૪ પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. આજે જામકંડોરણા તાલુકાની શાળાઓનું બપોર સુધી ઇન્સ્પેક્શન થશે અને જામકંડોરણા તાલુકા ક્ધયા શાળામાં બપોર બાદ ’મુકામ શાળા’ અભિયાન હાથ ધરાશે. આ રીતે રાજકોટ જિલ્લાની ૨૫૪ ગ્રાન્ટેડ અને ૪૩ સરકારી શાળાનું ઇન્સ્પેક્શન થશે અને સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ થશે. રાજકોટ ડી.ઈ.ઓ.નું તાલુકા કક્ષાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ થતાં તાલુકાની શાળાઓના આચાર્ય કે શિક્ષકોના રાજકોટ ડી.ઈ.ઓ. કચેરી સુધીના ધક્કા બંધ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.