Abtak Media Google News

સોશિયલ મિડીયા પર ‘વિકાસ ગાંડો થયો છે’ના અપપ્રચાર બાદ પણ ગુજરાત ભાજપ નરમ વલણ બનાવી રાખશે. ગુજરાત ભાજપ એ ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’એડવર્ટાઈઝમેન્ટ કેમ્પેઈનની શરૂઆત કરી છે. જે ૧ ઓકટોબરથી શરૂ થતી ૪,૬૫૭ કિમી લાંબી ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન પણ ઉપયોગમાં લેવાશે.ગઈકાલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા ૧૫ દિવસ લાંબી ગુજરાત ગૌરવ યાત્રા માટે નવા કેમ્પેઈનની શરૂઆત કરી હતી. “વિકાસ” ના નામથી થયેલા અપપ્રચારથી કોઈ ફેર ન પડ્યો હોય તેવું દર્શાવવા પાર્ટીએ આગામી ચૂંટણી માટે વિજ્ઞાપન તૈયાર કર્યો છે. જેમાં ‘મને ઓળખ્યો? હું છું વિકાસ.’ એવો પ્રશ્ન કરાઈ રહ્યો છે.

આ કેમ્પેઈનમાં પીએમ મોદીના કાર્યોને કેન્દ્રબિંદુ બનાવવામાં આવશે. તેમજ વિધાનસભા ચૂંટણીના ચહેરા તરીકે પણ પીએમ મોદીને જ દર્શાવાશે. આ કેમ્પેઈનમાં ‘ધન્યવાદ મોદીજી’એવા લખાણવાળા હોર્ડિગ્સનો પણ ઉપયોગ કરાશે. આ કેમ્પેઈન પાર્ટીના અગાઉના કેમ્પેઈન ‘કોંગ્રેસ નહીં ચાલે’ને સ્થાને શરૂ કરાશે.

ગુજરાત પ્રદેશ ભાજપ વડા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘ઈલેકશન કેમ્પેઈનના કેન્દ્રબિંદુ તરીકે વિકાસને જ દર્શાવવામાં આવશે અમે કોઈપણ પ્રકારના અપપ્રચારથી ગભરાઈશું નહીં.’તેમણે આગળ વાત કરતા જણાવ્યું હતું કે, ‘ગુજરાતના લોકો ભાજપાના દેખીતા વિકાસ અને કોંગ્રેસના જૂઠ્ઠાણાં વચ્ચે ભેદ પાડવા માટે પૂરતા હોંશિયાર છે.’આ અંગે વાત કરતા પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ‘૨૨ વર્ષના શાસના દરમિયાન ભાજપ દ્વારા ગુજરાતમાં કરાયેલ વિકાસના કામોને દર્શાવવા માટે ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરાશે. આ યાત્રાના એક ફેઝની જવાબદારી જીતુ વાઘાણી પોતે સંભાળશે જયારે બીજા ફેઝની જવાબદારી ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.