Abtak Media Google News

ભારે વરસાદની આગાહી સાથે બીએમસી દ્વારા હાઈએલર્ટ જાહેર

મુંબઈમાં છુટછાટ મળતાની સાથે જ લોકોનો ઘસારો મોલમાં જોવા મળ્યો હતો. અતિભારે વરસાદનાં કારણે પણ મોલમાં લોકોની ખુબ મોટા પ્રમાણમાં ગરદી જોવા મળી હતી. મુંબઈ શહેરમાં મુખ્યત્વે આજુબાજુના વિસ્તારોમાં ૧૨ જેટલા મોલ આવેલા છે જેમાં લોકોનો ઘસારો ખુબ વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. ઈલેકટ્રોનિક, ફુટવેર, કોસ્મેટીક ધરાવતી દુકાનો મોલમાં ખુલ્લી રહી હતી અને ભારે વરસાદ હોવા છતાં પણ ૧૫ થી ૨૦ ટકા જેટલો ફુડ ફોરમાં વધારો નોંધાયો હતો. આશરે ૪ મહિના બાદ મુંબઈનાં મોલ ખુલતાની સાથે જ લોકો ચીજવસ્તુઓની ખરીદી કરવા મોલમાં ઘસી આવ્યા હતા તો બીજી તરફ મુંબઈમાં લાગલગાટ બીજે દિવસે પણ વરસાદનું જોર યથાવત રહેતા જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. માત્ર ૯ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ ખાબકતા બીએમસી દ્વારા મુંબઈને હાઈએલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા ઘરે રહેવા સુચવ્યું છે.

ભારે વરસાદનાં કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે સામે ઘણા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે જે માટે એનડીઆરએફની ટીમ દ્વારા કુલ ૪૦ જેટલા લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે તો બીજી તરફ મુંબઈનાં રેલવે ટ્રેકો પણ પાણીથી ભરાઈ જતા પરીવહનને ઘણીખરી રીતે અડચણ પહોંચી છે. ૧૬૦ કિલોમીટરની ઝડપે ફુંકાતા પવનનાં કારણે અનેકવિધ વૃક્ષો ધરાશાયી થયા હતા અને ઠેર-ઠેર પાણી પણ ભરાયા હતા. મુંબઈ સાથે પાલઘર, પૂણે, સતારા, કોલાપુર, થાણે, રતનાગીરી તથા રાયગઢમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. રાહત અને બચાવ કાર્ય માટે મહારાષ્ટ્ર સરકારે એનડીઆરએફની ૧૫ ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

મુંબઈનાં મસ્જીદ બંદર અને ભાયખલા વચ્ચે ટ્રેક પર પાણી ભરાતા બે લોકલ ટ્રેનમાં ફસાયેલા ૨૫૦ લોકોને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતા. મુંબઈ કોરોના સામે જજુમી રહ્યું છે ત્યારે મુંબઈનાં મોલોને ૪ મહિના બાદ છુટછાટ મળી હતી તો બીજી તરફ અતિવૃષ્ટિનાં કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ પણ ભયાનક બની ગઈ હતી. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, થાણે અને ઉતર કોંકણમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથો સાથ મુંબઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ ખાતે આવેલા મોલનાં સંસ્થાપકો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઘણા ખરા સ્ટોરને ખોલવામાં આવ્યા ન હતા અને પરિસ્થિતિ સુધરતાની સાથે જ ૮૦ ટકા મોલનાં સ્ટોર ખુલશે તેવી આશા પણ વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.