Abtak Media Google News

મતિભ્રષ્ટ અને મતિશુધ્ધ, આ બે શબ્દો આપણા સમાજમાં અને આપણા આખા દેશમાં સહુ કોઈની જીભે સતત ચઢી રહ્યા છે. આપણે ત્યાં લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત થઈ ચૂકયો છે. ત્યારે એવો સવાલ ઉઠયા વિના રહેતો નથી કે મતિભ્રષ્ટતાવાદીઓની છાવણી અને મતિશુધ્ધતાવાદીઓની છાવણી વચ્ચે કોનો હાથ ઉપર રહેશે?

એક મોજણી અનુસાર દેશના ૭૧ ટકા લોકો હાલની રાજકીય ગતિવિધિઓ અંગે અસંતુષ્ટ છે. આ લોકો પક્ષાપક્ષીની ગ્રંથીથી વિમૂખ છે. એમને રાજકીય પક્ષો જ ગમતા નથી. હાલના રાજકારણીઓપ્રતિ એમને લગભગ એક સરખી ‘સુગ’ છે. એમના અતિ વરવા રંગઢંગથી તેઓ ઓબકાયા છે.

કોઈ માને કે ન -માને રાજકારણીઓનાં દિવસો હવેભરાઈ જવાના આરે હોવાનું ચિત્ર ઉપસે છે. મતિભ્રષ્ટતાના અને મોંઘવારીના રાક્ષસોએ હવે એમને બદનામીનો ગળેફાંસો દીધો છે. અને બોલતા બંધ કરી દીધા છે. ગંદી ચાલાકીઓ અને ભાષણખોરીની યુકિત પ્રયુકિતઓ એમને બચાવી શકે તેમ નથી.

જયાં મતદારો મત આપવાની બાબતમાં પૂરેપૂરા સમજણા ન હોય એ દેશમાં લોકશાહી પ્રથાને તંદુરસ્ત તથા હુષ્ટપૂષ્ટ રાખવાનું દુષ્કર બને છે. આપણા દેશને આઝાદી મળી અને લોકશાહી શાસનપધ્ધતિ અપનાવાઈ તેની સાથે જ લોકોને એને લગતુ શિક્ષણ આપવાનું અત્યંત આવશ્યક હતુ. પરંતુ એવું બન્યું જ નહિ.બ્રિટનમાં મતદાર પ્રજા માટે લોકશાહી પ્રથા અને તેને લગતું શિક્ષણ આપવામાં આવ્યું હતુ. ત્યાંનીપ્રજા, ગરીબ કે તવંગર, મતની કિંમત અને મતદાનની રાષ્ટ્રના ભાવિ ઉપર અસર બાબતમાં પૂરેપૂરી પરિપકવ હોવાનું વર્ષોથી સહુ કોઈ જાણે છે.

અમેરિકામાં ભલે પ્રમુખ શાહી પધ્ધતિનું શાસન પ્રવર્તે છે. તો પણ ત્યાંની પ્રજા મતદાનની બાબતમાં પૂરેપૂરી પરિપકવ છે. એ ધ્યાન પૂર્વક સાંભળે છે. બધાને, પણ ભાષણખોરીથી ભરમાઈ જતી નથી… આપણે ત્યાં દરેક વ્યકિત માત્ર એકવીસ વર્ષની હોવાનાં કારણે જ રાષ્ટ્રનું ભાવિ નકકી કરનાર યોગ્ય વ્યકિતની પસંદગી કરવા માટે લાયક બની જાય છે. એવો ખ્યાલ અપનાવાયો છે. પરંતુ માત્ર ઉંમરને નિર્ણાયક માપદંડ ગણી શકાય ખરો? એમાંય જયાં ૬૫ ટકા વસ્તી ગરીબ અને પૂરતા શિક્ષણથી વંચિત છે.

એવા આપણા દેશમાં માત્રઉંમરને માપદંડ ગણીને આવડા મોટા રાષ્ટ્રના સુકાનીની પસંદગીની અતિ આકરી પ્રક્રિયામાં એને જોડવામાં આવે તે ભલે દુનિયાનાં અન્ય દેશોમાં ગૌરવપૂર્ણ ગણાય પણ તે લોકશાહી શાસનને ઉજાળે એવું કેમ બને? આપણા દેશની હાલત આઝાદીના ૭૦ વર્ષ પછીયે ‘સુરાજય’તો કયાંય દૂર રહ્યું મતિભ્રષ્ટ અને દુષ્ટરાષ્ટ્રના ઘેરા ઓછાયા હેઠળ છે. એમાં આ સવાલનો જવાબ આવી જાય છે. અમુક અભ્યાસીઓ તો આ રીતની પસંદગીને સરાસર બેવકૂફીભરી ગણાવે છે! આપણે ત્યાં અત્યારે છેક નીચેનાં સ્તરથી લોકસભાની ચૂંટણી સુધી મતદારોની ઓછામા ઓછી લાયકાત, અને ઉમેદવારોની ઓછામાં ઓછી લાયકાત નિશ્ચિત કરવી જોઈઅ એવો એક મત છે.

પ્રધાનમંડળોમાં મુખ્ય પ્રધાનો અને વડાપ્રધાનની લાયકાતો, મેયરની લાયકાત, જુદાજુદા ખાતાઓમાં કેબિનેટ પ્રધાન અને અન્ય પ્રધાનોની લાયકાત નકકી કરેલી હોવી જોઈએ. જે ખાતાં વિષે એકડોય ન જાણતા હોય એવી વ્યકિતઓને નિમી દેવાનો કોઈ અર્થ નથી. સંરક્ષણ પ્રધાનની લાયકાત એને લગતી ડિગ્રી અને અનુભવ ધરાવતો માણસ હોય તે જ ગણાય એવું જ વિજ્ઞાન, વ્યાપાર, ઉદ્યોગ, કાયદા-કાનૂન, અર્થતંત્ર, શિક્ષણ, સમાજ શાસ્ત્રના દફતરો સંબંધીત વિષયના નિષ્ણાંતોને જ સોંપવા જોઈએ દા.ત. એટર્ની જનરલ પાસે ઓછામાં ઓછી ડોકટરેટ ઈન લો (એલએલડી)ની ઉપાધી હોવી જોઈએ, કારણ કે રાજયનાં કાયદાઓ અને નાગરિકોનાં અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી એના શિરે રહે છે.

આવું જ કેન્દ્ર સરકારની બાબતમાં હોવું જોઈએ. તમામ લોકશાહી સંસ્થાઓનેઆવી જ ગતિવિધિઓ લાગૂ પડવી જોઈએ.રાજયપાલ પાસે તેના માટે શકય હોયતેટલી તમામ શ્રેષ્ઠ ડિગ્રીઓ (સર્વોચ્ચ ઓનર્સ સાથે એમ.એ.પી.એચડી, રાજનૈતિક વિજ્ઞાન (પોલીટીકલ સાયન્સ)માં પીએચડી હોવા જોઈએ. વધારામાં એક ડી.લીટ કે એલએલડીની માનદ પદવી પણ હોવી જોઈએ.

રાષ્ટ્રપતિ પાસે ઓછામાં ઓછી બે પીએચડીની ડીગ્રી હોવી જોઈએ અને એક માનદ ઉપાધી ડીલીટ અથવા એલએલડી અને ઉપરાષ્ટ્રપતિ માટે પણ એજ ડિગ્રીઓ હોવી જોઈએ, કારણ કે તે કોઈપણ દિવસે રાષ્ટ્રપતિ બની શકે. ટોળાશાહી પર પૂર્ણવિરામ મૂકવાનો ઉપાય આનાથી બીજો કર્યો હોઈ શકે? આપણે આપણા સંસદગૃહોમાં, વિધાન ગૃહોમાં કેટલી હદે ટોળાશાહી ચાલે છે તે છેલ્લા કેટલાક વર્ષોથી જોતા જ રહ્યા છીએ. અરે, આપણે જ નહિ, આખી દુનિયા જોતી રહી છે.

આમ તો રાજકારણીઓ પાસે જે કાંઈ સત્તા છે તે આપણે જ આપેલી છે તેમ છતા આપણું કહેવું તેઓ માનતા જ ન થી. સ્પીકર અધ્યક્ષનું કહેવું પણ ઘણે ભાગે નથી માનતા… ગૃહનાં કામકાજ મોકૂફ રખાવવા કે મુલત્વી રખાવવાની ધાંધલ ધમાલ અને ટોળાશાહીનું પ્રદર્શન કરવામાં તેઓ પાવરધા છે. ખૂદ એમના નેતાઓ અમેને ઉત્તેજન આપતા રહે છે. સ્પીકર અધ્યક્ષ શાસનકર્તા લોકોની ભૂંડી તરફેણ કરે છે. એવા આક્ષેપોને ઘોળીને પી જવાની આવડત પણ તેમણે સાધી લીધી લીધી હોવાનો દાવો તેઓ કરી શકે તેમ છે.

આપણે જેમને આવી સત્તા આપી છે તે પાછી મેળવી શકાય છે. એ સત્તા એમની નથી, આપણી છે. આપણે ફકત આ કામ ટોળાશાહી આચરીને ખુશામતખોરી કરતા લોકો દ્વારા એ ન થઈ શકે, એ કામ બુધ્ધિજીવી વર્ગનું છે. તમારે મતિશુધ્ધ બુધ્ધિજીવી વર્ગનાં હાથમાં સત્તા સોંપવાનો ધર્મ બજાવવો જ પડશે, કારણ કે એ રાષ્ટ્રધર્મ છે અને રાષ્ટ્રથી કોઈ મોટુ નથી કે કોઈ વધુ કિંમત નથી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.