Abtak Media Google News

રાજયભરમાંથી ૩૩ જિલ્લાઓનાં પ્રતિનિધિઓની સમન્વય સમિતિની બેઠક યોજાઈ

પાંજરાપોળ અને ગૌશાળા તો સરકાર તથા પશુપાલકો, ખેડુતોને સ્વૈચ્છીક રીતે જીવદયાની ભાવનાથી મદદરૂપ થતી મહત્વની કડી છે. એટલું જ નહી એ તોછાણીયું ખાતર તૈયાર કરતી એક સંસ્થા પણ છે. ત્યારે તેને પણ સરકાર આર્થિક મદદ કરવી જોઈએ અને તેના ભાગ‚પે જ કાયમી સબસીડી મળવી જોઈએ. જયારે રાજસ્થાન, હિમાચલ, ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાં સબસીડી મળતી હોય તો ગુજરાત તો જીવદયાનું સમગ્ર વિશ્ર્વમાં પાટનગર કહી શકાય તેવું રાજય છે.

રાજયની તમામ પાંજરાપોળ ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જાય છે. પાડા, વાછડા, ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. દાનની આવક ઘટી રહી છે. ડેરી ઉદ્યોગ શ્ર્વેતક્રાંતી ફૂલી ફાલી છે. અત્યારે ગુજરાતમાં રોજનું ૧૬૬ લાખ લીટર દુધનું ઉત્પાદન થાય છે. વાછડા-પાડા સાચવવાનું ભારણ સીધે સીધુ પાંજરાપોળ, ગૌશાળા ઉપર આવી ગયું છે. માટે પ્રતિદિન પ્રતિ લીટર દૂધ ઉપર એક એક રૂપીયો સરચાર્જ ડેરી ઉદ્યોગ પર ચઢાવી તે રકમ રોજે રોજ પાંજરાપોળ, ગૌશાળાને મળે તેવી મંત્રણા ગોઠવવી જરૂરી છે.

હાલમાં જયારે ગુજરાતના જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા જીવદયા, ગૌસેવાના અનેક નિર્ણયો લેવાયા છે. ત્યારે ગુજરાત સરકાર પ્રત્યે જીવદયા સંસ્થાઓની વધુ અપેક્ષા હોય તે સ્વાભાવીક છે. પાંજરાપોળ અને ગૌશાળાને સિલીંગ એકટમાંથી મૂકિત આપે તે જરૂરી છે. એવી માંગણી રવિવારે રાજયની પાંજરાપોળ ગૌશાળાઓનાં સંચાલકો બેઠકમાં કરવામાં આવી છે.

સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહે જણાવ્યું કે, ગુજરાતનાં ૩૩ જિલ્લાઓનાં પાંજરાપોળ ગૌશાળાના પ્રતિનિધિની સમન્વય સમિતિની બેઠકમાં અનેક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આ અંગેની તકલીફો અને સમસ્યાઓની વિગતો માત્ર સરકાર જ નહી, રાજયભરનાં બધા જ ૧૮૨ જન પ્રતિનિધિઓ ધારાસભ્યોને અપીલ સ્વરૂપે ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો, મહાજનો આપશે જેનાથી સ્થાનિક સ્તરે તેઓ પણ આ મુદાને સતાધીશો સમક્ષ રજૂ કરી શકે, આ મીટીંગમાં ગુજરાતનાં તમામ જિલ્લાનાં મુખ્ય પ્રતિનિધિઓ મિતલ ખેતાણી, અશોકભાઈ દેવશીલાલ શેઠ, જયંતીભાઈ દોશી, રાજુભાઈ શાહ, ચીનુભાઈ , દેવેન્દ્રભાઈ જૈન, સુનીલભાઈ કલોલ, હિરેનભાઈ કોટક, ભરતભાઈ કોઠારી, રમેશભાઈ ઠકકર, વિજયભાઈ ડોબરીયા, દિલીપભાઈ પરીખ, મુકુંદભાઈ ભાયાણી, વિનીતભાઈ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.