Abtak Media Google News

કરોડો રૂપિયાના કામોમાં માત્ર બે – ત્રણ કલાક જેસીબી ચલાવી મોટા પાયે આચરાઈ ગેરરીતિ : મુખ્યમંત્રીને કરાઈ રજુઆત 

હળવદ પંથકમાં જિલ્લા પંચાયતની નાની સિચાઈ યોજના અંતર્ગત તાલુકાના જુદાજુદા પ૧થી વધુ ગામોના તળાવોનું રિનોવેશન માટે રૂ.પ.૮૩ કરોડની ફાળવણી કરવામાં આવી હતી જે અંગેના કામ તાલુકાની જુદીજુદી મંડળીઓને આપવામાં આવ્યું હતું પરંતુ કામો માત્ર કાગળ પર બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવતા હળવદ – ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્યએ રાજયના મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર સહિતાઓને યોગ્ય તપાસ કરવા લેખિતમાં રજુઆત કરાતા ભ્રષ્ટાચારી બાબુઓમાં દોડધામ મચી જવા પામી છે
હળવદ તાલુકામાં ચકચાર જગાવનાર નાની સિંચાઈ યોજનામાં થયેલ મોટા પાયે ભ્રષ્ટાચાર મામલે આજદીન સુધી જવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરનાર તત્વો સામે કહેવા પુરતી પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા પંથકમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તાલુકાના જુદાજુદા પ૧થી વધુ ગામોના આવેલા તળાવને લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવાની રૂ.પ.૮૩ કરોડની રકમ ફાળવાઈ હતી અને આ કામ તાલુકાની જુદીજુદી પાંચેક જેટલી મંડળીઓને આપવામાં આવ્યું હતું પરંતુ ગામના તળાવમાં ગ્રાન્ટ વાપરવાના બદલે બારોબાર અધિકારીઓની મીઠી નજર હેઠળ વપરાઈ જવા પામી હતી. જયારે સમગ્ર બનાવની હકિકત મિડિયામાં પ્રકાશીત થતા ઉચ્ચ અધિકારી દ્વારા બાકી રહેતી કોન્ટ્રાકટની રકમ અટકાવી દેવામાં આવી હતી.
સાથે જ તાલુકાના અનેક એવા ગામો છે કે, ગામના સરપંચને પણ ખબર નથી કે, અમારા ગામમાં તળાવના રિનોવેશન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરાઈ છે. પરંતુ ગ્રામ પંચાયતના સરપંચોને અંધારામાં રાખી હરામનું ખાવા ટેવાયેલા અમુક લેભાગુ તત્વો દ્વારા કામ માત્ર કાગળ પર બતાવી રૂપિયા મેળવી લીધાની વાત પણ જગ જાહેર છે. ત્યારે આ સમગ્ર ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવાની માંગ સાથે હળવદ – ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાએ રાજયના મુખ્યમંત્રી, જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઈજનેર, વિકાસ કમિશ્નર, હિસાબી અધિકારી, મુખ્ય સચિવ તેમજ જિલ્લા પ્રભારી મંત્રી, વિરોધપક્ષના નેતા અને જિલ્લા કલેકટર સહિતનાઓને લેખિતમાં રજુઆત કરવામાં આવતા ભ્રષ્ટાચાર આચરનાર તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.