કોડીનારમાં આભ ફાટયું: ૪ કલાકમાં અનરાધાર છ ઈંચ વરસાદ

તાલાલામાં અઢી ઈંચ, માણાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો: કોડીનાર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ

સૌરાષ્ટ્રમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં જાણે આભ ફાટયું હોય તેમ ૪ કલાકમાં સુપડાધારે ૬ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. તાલાલામાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ લખાય રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ધીંગી ધારે મેઘરાજા વરસી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયેલું હોવાનાં કારણે સૌરાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અને કાંઠાળા વિસ્તારોમાં અમુક સ્થળે ભારે વરસાદ પણ પડે તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી છે. દરમિયાન આજે સવારે ૧૦:૦૦ કલાકથી ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ૧૦ થી ૧૨ સુધીનાં બે કલાકનાં સમયગાળામાં અનરાધાર અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો ત્યારબાદ વરસાદનું જોર વધયું હતું અને ૧૨ થી ૨ કલાકનાં સમયગાળામાં વધુ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જતા ચાર કલાકમાં સુપડાધારે ૬ ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. આ ઉપરાંત તાલાલામાં પણ બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો. માણાવદર અને કુતિયાણામાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. માળીયાહાટીના, વેરાવળ, કેશોદ અને જુનાગઢમાં વરસાદનાં સારા એવા ઝાપટા પડયા હતા.

Loading...