Abtak Media Google News

રાજકોટવાસીઓને આંતરીક પરીવહનની સેવા પુરી પાડવા માટે મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બસની સુવિધા હાલ શહેરમાં પુરપાટ ઝડપે ચાલી રહી છે પરંતુ સીટી બસ સ્ટેન્ડની દુર્દશા ખુબ જ દયનીય બની જવા પામી છે. બસ સ્ટેશનની અંદર દબાણોનું દુષણ ખડકાઈ ગયું છે. આટલું જ નહીં બસ સ્ટેન્ડમાં બેસવાની વાત તો દુર રહી મુસાફરો સીટી બસ સ્ટોપ પાસે ઉભા પણ ન રહી શકે તેવી બેસુમાર ગંદકીના ગંજ ખડકાયા છે. નરી આંખે દેખાતી આ ક્ષતિ મહાપાલિકાને દેખાતી નથી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે.

મહાપાલિકા દ્વારા લાખો ‚પિયાના ખર્ચે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સીટી બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. નાણા ખર્ચી નાખ્યા બાદ જવાબદારી પૂર્ણ થઈ જતી હોય તેમ મહાનગરપાલિકાનું નિભંર તંત્ર સીટી બસ સ્ટોપ સામે કયારેય નજર ન કરતું હોવાના કારણે હાલ મોટાભાગના બસ સ્ટેશનોની હાલત દયનીય બની જવા પામી છે. કરોડો ‚પિયાના ખર્ચે શહેરમાં ફુટપાથ બનાવવામાં આવી છે પરંતુ આ ફુટપાથ જાણે ધંધો કરવાનું સ્થળ બની ગયું હોય તેમ ફુટપાથ પર આડેધડ દબાણ ખડકાય જાય છે તેવી જ રીતે સીટી બસ સ્ટોપમાં પણ દબાણો ખડકાય ગયા છે. ચા કે પાનના ધંધાર્થીઓએ અહીં પોતાના હાટડા શ‚ કરી દીધા છે. જેના કારણે સીટી બસના મુસાફરોને બસ સ્ટેશનમાં બેસવાની જગ્યા રહેતી નથી. સીટી બસ સ્ટોપ અસામાજીક તત્વોના અડ્ડા બની ગયા હોય તેમ અહીં લુખ્ખા તત્વો પડયા પાથર્યા રહે છે.  બસ સ્ટેશનની પુરતી સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના કારણે સીટી બસની રાહ જોતા મુસાફરો બસ સ્ટેશનની અંદર બેસવાની વાત તો દુર રહી આસપાસ ઉભા રહીને પણ બસની રાહ જોઈ શકે તેવી સ્થિતિ હોતી નથી. સીટી બસ સ્ટેશન આસપાસ બેસુમાર અને માથુ ફાડી નાખે તેવી ગંદકીના કારણે મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા છે. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા તાજેતરમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સીટી બસની રાહ જોતા મુસાફરો માટે બસ સ્ટોપની અંદર ઝુલા મુકવામાં આવ્યા છે પરંતુ આ ઝુલાની સુવિધા લોકોની દુવિધા વધારી રહ્યા છે. સ્વચ્છતામાં રાજકોટનો દેશમાં ભલે ૧૮મો ક્રમાંક આવ્યો પરંતુ સીટી બસના સ્ટોપની સ્વચ્છતા પણ નજર કરવામાં આવે તો રાજકોટ ટોપ ૧૦૦માં પણ આવી શકે તેમ નથી. મુસાફરો દ્વારા ગંદકી, દબાણ સહિતની સ્થિતિ અંગે અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં આ રજુઆતો બેરા કાને અથડાઈ પાછી ફરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.