ક્રુરતાની હદ: વંથલીમાં 14 કબૂતરોના ગળા કાપી નખાયા

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ભાટીયા ગામે કબૂતરોની ગરદન કાપી ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા છે અને આ કબૂતરોની ઘાતકી હત્યા કરનાર પરપ્રાંતિય મજૂરો હોવાની ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી છે. જુનાગઢ જિલ્લામાં કોરોનાના કહેર બાદ બર્ડ ફ્લુની દહેશત સામે આવી છે, ત્યારે પક્ષીઓને શિકાર બનાવી તેની મિજબાની માણવા માટે નિર્દોષ અને ભોળા ગણાતા ૧૪ જેટલા પારેવડાઓની ગરદન કાપી હત્યા કરવામાં આવી હોવાનું ઘાતકી કૃત્ય વંથલી પંથકમાં આચરાયું હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ભાટીયા થી મેંદરડા તરફના રસ્તામાં ખેતરનાં કુવામાં રાત્રિના સમયે ૬ થી ૭ જેટલા પરપ્રાંતિય મજૂરોની ટોળકીએ કુવા પર નેટ બાંધીને કૂવામાં માળો બનાવી રહેતા કબૂતરોને ભડકાવી, ઉડાવી એક એક કબૂતરને પકડી તુરંત જ છરી ચાકા વડે ગરદન કાપી લઈ જવાની પેરવી કરતા હતા. તેવામાં અચાનક વાડી માલિક આવી જતા કબૂતરોના હત્યારા પરપ્રાંતિય મજૂરો રફુચક્કર થઈ ગયા હતા. બાદમાં આ અંગેની સ્થાનિક લોકોએ તપાસ કરતાં ગામમાં જ ખેત મજૂરી કરતા પરપ્રાંતીય મજૂર હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારે આ મામલે તટસ્થ તપાસ કરી કબૂતરોના હત્યારાઓને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

 

 

Loading...