Abtak Media Google News

દિલ્હી ક્રિકેટ બોર્ડ આરટીઆઈના દાયરામાં લવાયું: કાયદાપંચે કરેલી ભલામણને માન્ય રાખી આરટીઆઈમાં જોડાવા સૌપ્રથમ તૈયાર થયું ડીડીસીએ

ભારતીય ક્રિકેટ બોર્ડને માહિતી અધિકાર એટલે કે, આરટીઆઈ હેઠળ લાવવાનો તખતો ઘડાઈ ચૂકયો છે. અત્યારે દિલ્હી તથા ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનને આરટીઆઈ હેઠળ લવાયુ છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રીકટ એસોસીએશન (ડીડીસીએ) દેશનું એવું પ્રથમ એસોસીએશન છે જે સુપ્રીમ કોર્ટે રચેલી લોઢા કમીટીએ કરેલી ભલામણ મુજબ તા.૩૦ જૂનના રોજ ચૂંટણી યોજશે.

Advertisement

વડી અદાલતે ગઠીત કરેલી લોધા કમીટીએ ક્રિકેટ બોર્ડમાંથી રાજકારણ, કૌભાંડ અને હોદ્દેદારો, કર્મચારીઓના તાયફા બંધ કરાવતા અનેક લોકોને પેટમાં ફાડ પડી ગઈ છે. ડીડીસીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ભારતના કાયદાપંચે તાજેતરમાં જ બીસીસીઆઈને આરટીઆઈ હેઠળ મુકવાની ભલામણ કરી હતી. દેશના અન્ય રાષ્ટ્રીય અને સ્ટેટ સ્પોર્ટ ફેડરેશનની જેમ ક્રિકેટ બોર્ડ પણ આરટીઆઈ હેઠળ આવે તેવી ગોઠવણ થવી જોઈએ. કાયદાપંચની ભલામણને માન્ય રાખી ડીડીસીએને આરટીઆઈ હેઠળ લાવવાનો નિર્ણય લેવાયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, દિલ્હી એન્ડ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનની જેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સહિતના ગુજરાતના એસોસીએશનમાં રાજકારણની ગંદકી જોવા મળે છે. રાજકારણીઓ પોતાના માનીતા અવા તો પોતે જ ક્રિકેટ એસોસીએશનના પદ ઉપર ગોઠવાઈ જાય છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, ક્રિકેટ એસોસીએશનમાં રાજકારણીઓને આટલો બધો રસ શા માટે છે. અહીં એ પણ નોંધવાનું રહ્યું કે, ચેતેશ્ર્વર પૂજારા જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને અગાઉ અનેક વખત હાંસીયામાં ધકેલવાની ભૂલ કરી છે ત્યારે આ પ્રકારની મનમાની આરટીઆઈ એકટ લાગુ તા બંધ થઈ શકે તેવી ક્રિકેટ ચાહકોને આશા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડને પણ અન્ય સ્પોર્ટસ ફેડરેશનની જેમ આરટીઆઈ હેઠળ લાવવામાં આવશે તો બોર્ડમાં ચાલી રહેલા રાજકારણનો અંત આવશે. આ ઉપરાંત દરેક વસ્તુનો હિસાબ દેવો પડશે જયારે કૌભાંડો પણ અટકશે તેવું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને નાના-નાના ક્રિકેટ એસોસીએશનમાં તો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે છે. વડી અદાલતે ઘડેલા લોધા પંચની ભલામણોને નજર અંદાજ કરવાની તોહિન અનેકવખત ક્રિકેટ બોર્ડે કરી છે. જો કે, આજ નહીં તો કાલે ક્રિકેટના નામે ચાલતા રાજકારણ અને ભ્રષ્ટાચારનો અંત તો આવશે તેવી ચાહકોને અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.