Abtak Media Google News

કાયમી ડીજીપીની નિમણૂંક માટે રાજય સરકારને ૮ અઠવાડિયાનો સમય આપતી હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે રાજયમાં કાયમી ડીજીપીની નિમણૂંક કરવા સરકારને ૮ અઠવાડિયાનો સમય આપ્યો છે. ઘણા સમય પહેલા પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ કરેલી પીઆઈએલના અનુસંધાને કોર્ટે આ હુકમ કર્યો છે.

ઘણા સમયથી રાજયમાં કાયમી ડીજીપીની નિમણૂંક થતી નથી તે મામલે હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. સરકાર માત્ર ઈન્ચાર્જ ડીજીપીથી જ કામ ચલાવતી હોવાની દલીલ પણ કોર્ટ સમક્ષ થઈ હતી. અલબત ચૂંટણી હોવાથી સરકારે કોર્ટને ચૂંટણી બાદ આ મામલે કાર્યવાહી કરશે તેવું કહ્યું હતું.

જો કે હવે કોર્ટે સરકારને ૮ અઠવાડિયાનો સમય કાયમી ડીજીપીની નિમણૂંક કરવા માટે આપ્યો છે.સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ અદાલતમાં અરજી કરી હતી. જેમાં કાયમી ડીજીપીની નિમણૂંક સરકાર કરે તેવો આદેશ આપવા માંગ કરી હતી. વર્ષ ૨૦૧૬ની ૧૫ એપ્રિલ બાદ રાજયમાં કાયમી ડીજીપી નથી. ઈન્ચાર્જ ડીજીપી સરકારની કઠપુતળી હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો હતો.લોકહિતને ધ્યાનમાં રાખી કાયમી ડીજીપીની નિમણૂંક કરવામાં આવે તેવો તર્ક મુકાયો હતો. કાયમી ડીજીપીની નિમણૂંકના કારણે પોલીસ બળમાં આત્મવિશ્ર્વાસ વધશે અને પોલીસની કામગીરીમાં દખલઅંદાજી ઘટશે તેવું પણ જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.