Abtak Media Google News

સેવાયજ્ઞમાં ૧૨૦ સભ્યો જોડાયા

હાલ કોરોનાની વૈશ્ર્વિક મહામારી વચ્ચે દેશ સંપૂર્ણ લોકડાઉન છે ત્યારે કુરીયર એસોસીએશન રાજકોટે માનવતાને મંત્ર બનાવી શહેરમાં દર્દીઓને દવાની ફ્રી ડીલીવરી કરવાનો ઉમદા નિર્ણય કર્યો છે. છેલ્લા પાંચેક દિવસથી અંદાજે ૨૦૦૦ જગ્યાએ દવાની ફ્રી ડિલીવરી કરી છે.

કુરીયર એસોસીએશને આ ઉમદા નિર્ણય લેતા ‘અબતક’ની મુલાકાતે આવેલા શ્રીનંદન કુરીયરના ભરતભાઈ કુછડીયાએ જણાવ્યું હતુ કે ૨૧ દિવસના લોકડાઉનના સમયમાં જે લોકો દવા લેવા બહાર નીકળી શકે તેમ નથી તેઓ માટે રાજકોટ કુરીયર એસોસીએશને દર્દીઓને ફ્રી દવાની ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે કલેકટર સાથે મીટીંગ કરી નિર્ણય લીધો છે.

 ફ્રી હોમ ડિલીવરીમાં ૨૦ જેટલા સીલેકટેડ મેડિકલ સ્ટોરને જોડવામાં આવ્યા છે.

ભરતભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે સામાન્ય દિવસોમાં દવાની હોમ ડીલીવરી રૂા.૫૦થી ૬૦માં કરવામાં આવે છે અને વધીને માત્ર એક જ કલાકમાં દર્દીને પહોચાડવામાં આવે છે. સામાન્ય રીતે વિવિધ કુરીયરની સંસ્થાઓ વચ્ચે હરિફાઈ રહેતી હોય છે. પરંતુ હાલના કપરા સમયે બધા કુરીયરો એકજુટ થઈ દર્દીઓને દવાની ફ્રી હોમ ડિલિવરી કરી માનવતાને મંત્ર બનાવી લીધો છે. આ સેવાયજ્ઞમાં કુરીયર એસોસીએશનના ૧૨૦ જેટલા સભ્યો જોડાયા છે. અને તેઓનો પેટ્રોલનો ખર્ચ, પગાર જેતે સંસ્થા ભોગવી ઉમદા કામગીરી કરી રહી છે. આ સેવાયજ્ઞમાં શ્રી નંદન કુરીયર, શ્રીમારૂતી કુરીયર શ્રી પ્રોફેશનલ કુરીયર, સ્કાયકિંગ કુરીયર, શકિત કાર્ગો, મારૂતી એર કુરીયર, શ્રી અંજની કુરીયર, પવન કુરીયર, શ્રી મહાવીર એકસપ્રેસ, શ્રી મહાબલી એકસપ્રેસ સહિત રાજકોટના તમામ કુરીયરો જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.