Abtak Media Google News

ટાગોર રોડ, યાજ્ઞિક રોડ, અમીન માર્ગ, મવડી રોડ, કોઠારીયા રોડ, કેવડાવાડી, જયુબીલી અને મેંગો માર્કેટમાં ૧૪૨ કિલો અખાદ્ય લીચીનો નાશ

બિહારમાં નાના બાળકોને આવેલા મગજનાં તાવ (ચમકી)નાં કારણે ૧૭૦ જેટલા બાળકોનાં કરૂણ મૃત્યુ થયા છે. આ ચમકી તાવ લીચી નામનાં ફળ ખાવાથી થતો હોવાની શકયતા દેખાતા આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ શહેરમાં ફ્રુટ માર્કેટમાં લીચીની ગુણવતા અને જાળવણી અંગે ચેકિંગ હાથ ધરવા સુચના આપી હતી. જે અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ-અલગ ૩૭ ફળોનાં વેપારીઓને ત્યાં ચેકિંગ હાથધરી ૧૪૨ કિલો લીચીનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, બિહારમાં હાહાકાર મચાવનાર મગજનો તાવ એટલે કે ચમકી થવાનું મુખ્ય કારણ લીચી હોવાની શકયતા છે. આ તાવનો રાજકોટમાં પગપેસરો ન થાય તે માટે આજે આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ૮ ફ્રુટ માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટાગોર રોડ પર બે, યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટમાં બે, અમીન માર્ગનાં છેડે ૮, મવડી રોડ માર્કેટ આનંદ બંગલા ચોક પાસે ૪, કોઠારીયા રોડ માર્કેટમાં ૪, કેવડાવાડી-ગુંદાવાડી રોડ પર ૭, જયુબીલી અને પરાબજારમાં ૮ અને મેંગો માર્કેટમાં ૨ સહિત કુલ ૩૭ ફળોનાં વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બિનઆરોગ્યપ્રદ ૧૪૨ કિલો લીચીનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

તેઓએ ઉમેર્યું હતું કે, લીચી સામાન્ય રીતે મે થી જુલાઈ માસ દરમિયાન ઉતર ભારતનાં રાજયોમાં ઉત્પાદન થાય છે. લીચીની જાળવણી ઠંડા તાપમાનમાં કરવી પડે છે અન્યથા તે ખરાબ થઈ જાય છે. લોકોએ લીચી ખરીદતી વખતે ૧ ઈંચથી નાની લીલા કલરની, પાકેલી ન હોય તેવી લીચીનો ઉપયોગ કરવો હિતાવહ નથી. ભુખ્યા પેટે લીચી ખાવાનું ટાળવું, લાલ કલરની અને એક ઈંચથી મોટી હોવી જોઈએ. વધારે પોચી કે લીલી છાલ તુટી ગઈ હોય તેવી લીચીનો ઉપયોગ કરવો નહીં અને લીચી વાપરતા પહેલા નળનાં પાણીથી ધોઈ નાખવી. ખરીદી કર્યા બાદ ઠંડા તાપમાનમાં લીચીને રાખવી અને એક જ દિવસમાં તેનો ઉપયોગ કરવો, લીચીની છાલ મોઢાથી કયારેય ન કાઢવી અને છાલ કાઢયા બાદ લીચીનો ઉપયોગ કરવો તેવી સુચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.