Abtak Media Google News

એકાદ-બે દિવસમાં ઝૂ અને ગાર્ડન ખોલવા અંગે કોઈ નિર્ણય લઈ લેવાશે: મ્યુનિ.કમિશનર

ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો ત્યારથી ગત ૧૮ માર્ચથી શહેરમાં પ્રધ્યુમનપાર્ક ઝુ અને તમામ ૧૫૨ બગીચાઓ બંધ છે. અનલોક-૪માં કેન્દ્ર સરકાર દ્વારા બગીચા ખોલવા માટે અને અનલોક-૫માં ઝુ ખોલવા માટેની પરવાનગી આપવામાં આવે છે પરંતુ શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોય કોર્પોરેશન દ્વારા અનલોક-૪માં પણ ગાર્ડન ખોલવામાં આવ્યા ન હતા. છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાનું સંક્રમણ થોડુ ઘટ્યું છે છતાં ૧૫મીથી ઝું અને ગાર્ડન ખોલવા અંગે તંત્ર થોડુ અવઢવમાં મુકાઈ ગયું છે. જો ઝુ અને ગાર્ડન ખોલી નાખવામાં આવે અને લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરે તો ફરી સંક્રમણ વધે તેવી દહેશત પણ જોવા મળી રહી છે.

રાજકોટમાં ગત ૧૮મી માર્ચથી પ્રધ્યુમનપાર્ક ઝુ અને તમામ ૧૮ વોર્ડમાં આવેલા ૧૫૨ જેટલા નાના મોટા બગીચાઓ બંધ છે. અનલોક-૪માં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ બગીચા ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ગત માસે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યાં હોવાના કારણે બગીચાઓ ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અનલોક-૫મી ગાઈડલાઈનમાં ૧૫મી ઓકટોબરથી ઝુ ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે પરંતુ રાજકોટમાં ઝુ અને બગીચા ખોલવા મામલે હજુ કોર્પોરેશન અસમંજસની સ્થિતિમાં મુકાયું છે. ઝુ ખોલવામાં આવે અને સંક્રમિત વ્યક્તિ ઝુની મુલાકાત લે અને તેનાથી એનીમલ પણ સંક્રમિત થાય તો તેનાથી પશુ-પ્રાણીઓને પણ કોરોના થવાનો ભય અંદરખાને તંત્રને સતાવી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા ૭ માસથી બગીચા ખુલે અને નાના બાળકો તથા સીનીયર સીટીઝનો બગીચામાં ઉમટી પડે તો પણ શહેરમાં કોરોનાનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી ભીતિ પણ સતાવી રહી છે.

દરમિયાન મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આગામી ૧૫મી ઓકટોબરથી પ્રધ્યુમન પાર્ક ઝુ અને બગીચા ખોલવા કે નહીં તે અંગે સત્તાવાર નિર્ણય લઈ લેવામાં આવશે. જો બગીચા કે ઝુ ખુલશે તો પણ તેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. નાના બાળકો અને સીનીયર સીટીઝનને એન્ટ્રી આપવામાં આવશે નહીં.

નિર્મલા રોડ ફાયર સ્ટેશનનું સ્થળાંતર

શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનનું ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નિર્મલા રોડ પર હયાત ફાયરબ્રિગેડ સ્ટેશનના સ્થાને અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાર્ટર બનાવવાની સુવિધા બનાવવામાં આવનાર છે. જેના કારણે આ ફાયર સ્ટેશનને વાહનો સાથે હાલ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ફાયર સ્ટેશન રાણી ટાવર સામે કાલાવડ રોડ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું કોર્પોરેશન દ્વારા જાહેર કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.