Abtak Media Google News

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પણ સમય મર્યાદામાં જ યોજવાની ચૂંટણીપંચની જાહેરાત: વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે સપ્ટેમ્બરમાં ચૂંટણીની સંભાવના

હાલ ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે. લોકડાઉન બાદ ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી છે. ત્યારે તાલુકા-જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પાછી ઠેલવવાની વાત જે પ્રસરી રહી હતી તે અંગે ચૂંટણી પંચે ચોખવટ કરી છે અને આ ચૂંટણીઓ તેમાં નિર્ધારિત સમય એટલે કે આગામી નવેમ્બરમાં યોજાનાર હોવાનું જણાવ્યું છે.

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન તમામ પ્રકારની તકેદારી ઉપરાંત ગાઈડ લાઈનના તમામ નિતી-નિયમો પાળવામાં આવશે.  રાજ્યની ૬ મહાનગરપાલિકા જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરની ચૂંટણી ઉપરાંત ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતોની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં ગોઠવવાનું શેડયુલ છે. રાજ્ય ચૂંટણીપંચના પ્રવકતાના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચ તેના નિર્દારિત સમયે એટલે કે નવેમ્બરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા તૈયાર છે.

ડિસેમ્બર સુધીમાં રાજ્યની ૬ મહાનગરપાલિકા જેમાં જૂનાગડ અને ગાંધીનગરને બાદ કરતા તમામ મહાપાલિકા, ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની થાય છે. આ ચૂંટણીઓ પાછી ઠેલવાની કોઈ વિચારણા નથી. ચૂંટણીપંચે નવેમ્બરમાં ચૂંટણી યોજવાની તમામ પ્રક્રિયાઓ આરંભી દીધી છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર વિધાનસભામાં જે મતદાર યાદીનો ઉપયોગ કર્યો હતો તેનો ઉપયોગ આ ચૂંટણી યોજવામાં કરવામાં આવશે. જો કે જ્યાં નવા વોર્ડનું સિમાંકન થયું છે ત્યાં નવી મતદાર યાદી કરાશે.

વધુમાં અધિકારીના જણાવ્યા અનુસાર આ સ્થાનિક ચૂંટણીઓનો કાર્યક્રમ આવતા વર્ષ સુધી લંબાઈ શકે નહીં. ચૂંટણીપંચે ચૂંટણી પ્રક્રિયા માટે બે થી અઢી મહિના જેટલો સમય લાગતો હોય છે ત્યારે આગામી નવેમ્બરમાં યોજાનાર ચૂંટણી માટે હાલ આ સમય પુરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. જેના કારણે આ આઠ બેઠકો ખાલી પડી છે જ્યારે દ્વારકા વિધાનસભા બેઠકના ધારાસભ્યપદે હાઈકોર્ટ દ્વારા પબુભા માણેકને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. મોડવા હડફ બેઠકના ધારાસભ્યએ પણ ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ ખોટુ સોગંદનામુ રજૂ કરતા તેઓને પણ ડિસ્કવોલીફાય કરવામાં આવ્યા છે. જેના કારણે હાલ ગુજરાત વિધાનસભામાં ૧૦ બેઠકો ખાલી પડી છે.  કોરોનાની સ્થિતિમાં ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૧૦ બેઠકો માટેની પેટા ચૂંટણી ઉપરાંત આગામી ડિસેમ્બર માસમાં રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ અને તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ રહી છે તેની ચૂંટણી પાછી ઠેલાય અને વહીવટીદાર શાસન આવે તેવી ચર્ચાઓ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે જેના પર આજે ચૂંટણીપંચે પૂર્ણ વિરામ મુકી દીધું હોય તેવું લાગી રહ્યું છે અને એવી જાહેરાત કરી છે કે, પંચાયત તથા મહાપાલિકાની ચૂંટણી સમયસર જ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.