Abtak Media Google News

વોર્ડ કે વિસ્તારમાં કોઇ વ્યક્તિને શરદી-તાવ હશે તો કો-ઓર્ડીનેટરો વોર્ડ ઑફસરને જાણ કરશે

શહેરની જુદીજુદી સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી દેખાય તો તરત જ આવશ્યક પગલાં લઇ શકાય તે માટે ત્વરિત જાણકારી મેળવવા શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૬૯૨ કો-ઓર્ડીનેટરોની નિયુક્તિ કરવામાં આવી છે, તેમ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વર્તમાન સમયમાં નાગરિકો જેટલી વધુ કાળજી રાખે એટલું કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખી કોવિડ કોર્ડિનેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જણાવી મ્યુનિ. કમિશનરે વધુમાં એમ જણાવ્યું હતું કે, જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં જો કોઈને પણ શરદી કે તાવ હોય તો તુર્ત જ કોવિડ કોર્ડિનેટર દ્વારા  મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસરને જાણ કરી શકાય. જેના માધ્યમથી હેલ્થ હેલ્પલાઈન ૧૦૪ મારફત જરૂરી કાર્યવાહી કરશે. આ ઉપરાંત જે કોઈ દર્દીને કોરોનાના પોઝિટિવ લક્ષણ દેખાય તો તેની છેલ્લા ૧૪ દિવસની હિસ્ટ્રીની તપાસ કરી આવશ્યક એવા તમામ પગલાં લઇ શકાય.

વોર્ડ વાઈઝ કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવામાં આવી છે જેમાં વોર્ડ નં. ૧ માંથી ૨૦, વોર્ડ નં. ૨ માંથી ૩૭, વોર્ડ નં. ૩ માંથી ૨૧, વોર્ડ નં. ૪ માંથી ૧૮, વોર્ડ નં. ૫ માંથી ૦૨, વોર્ડ નં. ૬ માંથી ૪૭, વોર્ડ નં. ૭ માંથી ૫૧, વોર્ડ નં. ૮ માંથી ૦૪, વોર્ડ નં. ૯ માંથી ૫૬, વોર્ડ નં. ૧૦ માંથી ૪૮, વોર્ડ નં. ૧૧ માંથી ૯૨, વોર્ડ નં. ૧૨ માંથી ૭૩, વોર્ડ નં. ૧૩ માંથી ૦૮, વોર્ડ નં. ૧૪ માંથી ૧૪૨, વોર્ડ નં. ૧૫ માંથી ૦૭, વોર્ડ નં. ૧૬ માંથી ૦૫, વોર્ડ નં. ૧૭ માંથી ૧૯, વોર્ડ નં. ૧૮ માંથી ૪૨ એમ શહેરના તમામ ૧૮ વોર્ડમાંથી ૬૯૨ કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવામાં આવી છે. આ તમામ કો-ઓર્ડીનેટર રાજકોટ મહાનગરપાલિકા અને નાગરિકો વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવશે જેથી કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડવા માટેના પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકાય.

વિશેષમાં જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે, ફરજિયાત માસ્ક પહેરવા, તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ થાય અને લોકો સતત જાગૃત રહી કોરોના વાયરસ સામે ચાલતી લડતમાં સહભાગી બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયાસો કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.