કોરોનાનો ભારત પર અજગરી ભરડો: કુદકે ને ભુસ્કે વધતા કેસોએ ‘વધારી ચિંતા’

ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોવિડ-૧૯ની ભુતાવળ સમગ્ર વિશ્ર્વમાં ધુણી રહી છે ત્યારે ભારતમાં પ્રતિકારાત્મક વ્યવસ્થા છતાં સ્થિતિ બેકાબુ: ક્યાંકને ક્યાંક આ મહામારીને રોકવાની વ્યવસ્થામાં ખવાય છે થાપ

વિશ્વભરમાં અત્યારે કોવિડ-૧૯ હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા બેકાબુ બની રહી છે ત્યારે ભારતમાં કોરોનાએ અજગરી ભરડો કસી લીધો હોય તેમ કુદકે ને ભુસ્કે વધતા કેસોએ સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. અનેકવિધ પ્રયાસો, સાવચેતીના પગલા, વ્યાપક જનજાગૃતિ અને સરકારી તંત્ર અને સમગ્ર વહીવટી વ્યવસ્થા આ મહામારી સામે યુદ્ધે ચડી છે તેમ છતાં કોવિડ-૧૯ કાબુમાં આવવાના બદલે વધુમાં વધુ ખપર ભરી રહ્યું છે ત્યારે આ મહામારી સામે ક્યાંકને ક્યાંક વ્યવસ્થામાં થાપ ખવાતી હોય તેવું ચિત્ર ઉભુ થયું છે.

ભારતમાં સપ્ટેમ્બર મહિનો અત્યાર સુધીની મહામારીના સમયગાળામાં સૌથી વધુ અપશુકનીયાળ નિવડ્યો હોય તેમ તાજેતરમાં જ આવેલા જોન હોપકીન્સ યુનિવર્સિટીના આંકડામાં જે લોકો સંક્રમિત થયા છે તેમાં આ મહિનાના પ્રથમ પખવાડિયામાં જ સંખ્યા બેવડીથી પણ વધુ થઈ ગઈ છે. નવા કેસોના ઉછાળામાં અમેરિકા પછી ભારતનો બીજો ક્રમ રહેવા પામ્યો છે.

વિશ્વમાં અત્યારે કોરોનાના વધતા જતા સંક્રમિત કેસોનો ઉછાળો દિન-પ્રતિદિન બેકાબુ થઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા ૧૧ દિવસમાં ૧૦ લાખથી વધુ નવા કેસોનો ઉમેરો થવા પામ્યો છે. ભારતમાં ૧૪ દિવસના સમયગાળામાં ૧૩૦૮૯૯૧ કેસનો ઉમેરો નોંધાયો છે. અમેરિકામાં નવા કેસોની સંખ્યા ૫૫૭૬૫૭ જ્યારે ત્રીજા ક્રમે ઉભેલા બ્રાઝીલમાં ૪૪૩૨૯૯ કેસોનો ઉમેરો થયો છે. ભારત કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકમાં પણ ટોચમાં પહોંચી ચૂકયું છે. આ સમયગાળા દરમિયાન ભારતની છેલ્લા ૧૫ દિવસની સ્થિતિ જોવા જઈએ તો એક પખવાડિયામાં ભારતમાં ૧૬૩૦૭ જીવન કોરોનાના ખપરમાં હોમાઈ ચૂકયા છે. આ સમયગાળા દરમિયાન અમેરિકામાં ૧૧૪૬૧ અને બ્રાઝીલમાં ૧૧૧૭૮ મૃત્યુ નિપજયા હતા. સપ્ટેમ્બર મહિનાના ૧૫ દિવસના જારી થયેલા આંકડામાં તા.૧ના રોજ ૬૯૯૨૧, તા.૨ના ૭૮૩૫૭, તા.૩ના ૮૩૮૮૩, તા.૪ના ૮૩૩૪૧, તા.૫ના ૮૬૪૩૨, તા.૬ના ૯૦૬૩૨, તા.૭ના ૯૦૮૦૨ થી તા.૧૫ના રોજ ૮૩૮૦૯નો ઉમેરો થયો હતો. તેની સાથે સાથે ૧૫ દિવસમાં મૃત્યુઆંક પણ વધ્યો હતો. મૃત્યુઆંકમાં મેક્સિકો, કોલંબીયા અને પેરૂમાં સૌથી વધુ મોત નિપજયા હતા. ભારતમાં પણ મૃત્યુદરની સ્થિતિ ૮માં ક્રમે રહેવા પામી છે. કોવિડ-૧૯ ટેસ્ટીંગનો દર પણ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધી ૫.૮ કરોડ લોકોને ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. ભારતમાં ૨૭ દિવસમાં આ ક્ષમતા ૧ કરોડથી વધારી ૨ કરોડ કરવામાં આવી છે. જ્યારે ૧૦ દિવસમાં ૪ કરોડથી ૫ કરોડ સુધીની સંખ્યા  થવા પામી છે.

દેશમાં કુલ દર્દીની સંખ્યામાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુનો હિસ્સો ૬૦ ટકા જેટલો રહેવા પામ્યો છે. ભારતમાં હજુ આ સંખ્યા ખુબજ ઉંચે જાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને મંગળવારે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન કોરોનાના કેસની સંખ્યા ૧૪ લાખથી ૨૯ લાખ સુધી પહોંચી હતી અને મૃત્યુના આંકડા ૩૭ હજારથી ૭૮ હજાર સુધી પહોંચ્યા હતા. અન્ય આંકડા જોવા જઈએ તો ભારતમાં રિકવરીનો દૌર વધી ૭૮.૨૮ ટકા થયો છે. કુલ ૩૮૫૯૩૯૯ લોકો સાજા થયા છે અને આ મહિનામાં જ ૨૮૫૯૩૮૮ કેસો રિકવરી હેઠળ હોવાનું જણાવાયું છે. અત્યારે દેશમાં કોરોના મહામારીનો અજગરી ભરડો પ્રવર્તી રહ્યો છે અને સમગ્ર દેશમાં આ મહામારી સામે બચાવ વ્યવસ્થાની સાથે સાથે ઘેરી ચિંતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

કોરોનાથી દરેક બે દેશવાસીઓમાંથી એક માનસિક તણાવનો શિકાર

સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના મહામારીનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં આ મહામારીના સંતાપથી વ્યાપક પ્રમાણમાં માનસીક તાણથી લોકો પીડાય રહ્યાં છે. અજ્ઞાત ભય, ભવિષ્યની ચિંતા અને આર્થિક કટોકટીના પગલે દેશમાં કોરોનાના કારણે ફેલાયેલા ભયના વાતાવરણથી દર ૨ વ્યક્તિએ ૧ને માનસીક તણાવની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એક સંસ્થાએ કરેલા સર્વેમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન લોકોની માનસીકતા સતત બગડતી જાય છે. આ સમસ્યાના નિવારણ માટે લોકોને વ્યવસાય અને આર્થિક સહયોગની જરૂરીયાત છે.

કંપનીઓએ તેમના કામદારોને આરોગ્ય જાળવણીની સવલતની સાથે સાથે વ્યવસાય અને આર્થિક સહયોગ આપવાની દિશામાં કામ કરવું જોશે. પોતાના કામદારોને રોજગાર સુરક્ષાનો વિશ્વસ અને કામના કલાકો દરમિયાન રાહતરૂપ વાતાવરણ આપવાની જરૂર છે. માનસીક તણાવના પ્રથમ તબક્કામાં લોકોને સધીયારો આપવાથી તણાવ મુક્તિ શકય બને છે ત્યારે લોકોને કોરોનાથી પોતાને અને પોતાના પરિવારને બચાવવાની ચિંતાની સાથે સાથે રોજગારી જાળવવી અને આર્થિક ખેંચમાં પરિસ્થિતિને કેવી રીતે ટેકલ કરવી તેના વિચારથી જ માનસીક તણાવનો ભોગ બનવું પડે છે. અત્યારે દેશમાં કોરોનાની અસરથી વધુ માનસીક સંતાપથી લોકો પીડાય રહ્યાં છે.

Loading...