Abtak Media Google News

શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ પર ટોળાતું નાણાકીય સંકટ

કોરોનાનાં કહેર વચ્ચે અને લોકડાઉન થતાં જે રીતે ધંધા-રોજગારોને માઠી અસરનો સામનો કરવો પડયો છે તેવી જ રીતે અનેકવિધ રમતોને પણ તેની માઠી અસર પહોંચી છે. રમત-ગમતની જયારે વાત કરીએ તો ક્રિકેટ એકમાત્ર એવી રમત છે કે જેને કોરોનાએ ભરડામાં લીધેલુ હોય. પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ તથા સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને કોરોના દેવાળીયુ કરી દેશે તેમ પણ જાણવામાં આવી રહ્યું છે અને આ તમામ ક્રિકેટ બોર્ડ ઉપર નાણાકિય સંકટ પણ ટોળાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. કોરોનાનાં કારણે હાલનાં સમયમાં અને વર્ષનાં અંત સુધીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ન થતાં આ તમામ બોર્ડને નાણાકિય ખેંચતાણ ઉભી થવાની પણ શકયતા છે જેનું કારણ એ છે કે આ તમામ ક્રિકેટ બોર્ડ માટે જે સ્પોન્સર હોય તે તમામની અવધી પૂર્ણ થઈ છે અને બ્રોડકાસ્ટર રાઈટસ પણ મળતા ન હોવાનું પણ સામે આવ્યું છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડનાં જે બ્રોડકાસ્ટીંગ રાઈટસ જે ટેન્સ સ્પોર્ટસ ખાતે હતા જે પુરા થઈ ગયા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેમનાં વિશ્ર્વનાં મીડિયા રાઈટસ ૬ વર્ષ માટે ૧૪૦ કરોડમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે જે વર્ષ ૨૦૧૪માં કરાર કરવામાં આવ્યા હતા. એવી જ રીતે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ ઉપર પણ નાણાકિય સંકટ ઉદભવિત થયું હોવાનું સામે આવ્યું છે. કારણકે ચાલુ વર્ષમાં આફ્રિકા ૩ મેચની સીરીઝની મેઝબાની કરતી હોવાનું જણાવ્યું હતું પરંતુ કયાંકને કયાંક આ ટુર્નામેન્ટ રદ થશે તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે.

ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સિવાય અન્ય બોર્ડને નાણાકિય સંકટ ઉદભવિત થાય તેવી ચિંતા પણ સતાવી રહી છે ત્યારે બીજી તરફ આ તમામ બોર્ડ દેવાળીયુ ફુંકશે તેવું પણ માનવામાં આવે છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે અનેકવિધ વખત તેમનાં ટેન્ડરો બહાર પાડયા હતા ત્યારે કોઈ એક પણ કંપનીએ તેમના રાઈટસ ખરીદવા તૈયાર દાખવી ન હતી એવી જ રીતે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડનાં ગત વર્ષે જ ટેન્સ સ્પોર્ટસ સાથે કરાર પૂર્ણ થયા છે ત્યારે બીજી કોઈ પાર્ટી નથી કે જેઓએ તેમના હકક ખરીદયા હોય. નાપાક પાકિસ્તાનનાં ક્રિકેટ બોર્ડને પણ ઘણી અસર પહોંચવા પામી છે અને હાલ એવી વાત સામે આવે છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દેવાળીયુ થઈ જશે. હાલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે આવકનો એક પણ સ્ત્રોત ઉભો ન થતા બોર્ડ ચિંતાતુર બન્યું છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાની પરિસ્થિતિ અન્ય બોર્ડ કરતા થોડી અલગ છે. સાઉથ આફ્રિકા બોર્ડનો પદભાર આફ્રિકાનાં ભૂતપૂર્વ સુકાની ગ્રેમ સ્મિથે સંભાળતા જ તે ભારત મુલાકાતે આવ્યા હતા અને સાઉથ આફ્રિકા ખાતે ભારત ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં ૩ મેચની સીરીઝ રમવા આવે તેવી માંગ પણ કરી હતી પરંતુ હાલની સ્થિતિ જોતા કદાચ એવું લાગી રહ્યું છે કે, આ સિરીઝ આવનારા સમયમાં કદાચ રદ પણ થઈ શકે છે. કેરેબીયન પ્રિમીયર લીગ સપ્ટેમ્બર અને ઓકટોબર માસમાં દર વર્ષે લંબાઈ છે ત્યારે કોરોનાનાં પગલે આ ટુર્નામેન્ટ કેન્સલ થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ ઉપર સૌથી મોટું ભારણ એ વાતનું છે કે આ તમામ બોર્ડ કેવી રીતે રૂપિયા કમાય શકશે ત્યારે આ તમામ નુકસાનીની ભરપાઈ કરવા માટે એક માત્ર અવસર આઈસીસી ટુર્નામેન્ટ કે જે ટી-૨૦ વર્લ્ડકપ છે તેમાંથી તેઓને ઉગારી શકાશે. દરેક દેશ જે ટુર્નામેન્ટમાં રમવા આવે છે તેઓ પાર્ટીસીપેશન ફી તરીકે ૩૫ કરોડ રૂપિયા અથવા તો તેનાથી થોડા વધુ રૂપિયાની સહાય મળતી હોય છે પરંતુ જો ટી-૨૦ ટુર્નામેન્ટ કેન્સલ થશે તો તે પણ સૌથી મોટી નુકસાની સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.