ગુજરાતમાં કોરોનાના વળતા પાણી: હોસ્પિટલોમાં આરક્ષિત 90% બેડ ખાલી

લોકોના સહયોગ અને સરકારના હકારાત્મક તથા પરિણામલક્ષી પગલાના કારણે કેસોમા નોંધપાત્ર ઘટાડો: આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિ

રાજ્યમાં છેલ્લા ૧૦ મહિનાથી કોરોનાનો આતંક ચાલુ છે. જોકે વર્ષ ૨૦૨૧ની શરૂઆત સાથે જ રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિએ દાવો કર્યો છે કે, લોકોના સહયોગ અને સરકારના હકારાત્મક અને પરિણામલક્ષી પગલાના કારણે આ સ્તર ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૫૫ કેસ અને ૪ દર્દીઓના કોરોનાથી મોત થયા છે.

આ સાથે જ ડો. રવિએ કહ્યું કે, હાલમાં રાજ્યમાં અંદાજે કોવિડ ડેઝિગ્નેટેડ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આરક્ષીત રખાયેલા ૯૦ ટકા બેડ ખાલી છે, જે દર્શાવે છે કે કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું થે. ડો. રવિએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૦ મહિનાથી મળી રહેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અને તેમના અમલીકરણથી નાગરિકોને સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલા અને નાગરિકો દ્વારા મળેલા વ્યાપક જનપ્રતિસાદના પરિણામે રાજ્યમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે.

આરોગ્ય અગ્ર સચિવના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેરમાં ૭૯૯૨ બેડની સામે હાલમાં ૬૦૬ બેડમાં દર્દીઓ દાખલ છે, જ્યારે ૭,૩૮૬ બેડ ખાલી છે. વડોદરામાં પણ ૫૮૯૦ બેડની સામે ૧૦૧૧ દર્દીઓ એડમિટ છે અને ૪૮૦૦થી વધુ બેડ ખાલી છે. સુરતમાં ૭૭૮૩ બેડની સામે ૨૩૪ દર્દીઓ દાખલ છે અને ૭૫૪૯ બેડ હાલમાં ખાલી છે. આમ રાજ્યની હોસ્પિટલોમાં રહેલા ૫૦,૦૦૦થી વધુ કોવિડ-૧૯ બેડ પૈકી ૯૦ ટકાથી વધુ બેડ હાલમાં ખાલી છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ ૯૪.૮૨ ટકા છે

સમગ્ર રાજ્યમાં કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં માર્ચ પછી પહેલીવાર સૌથી ઓછો મૃત્યુઆંક નોંધાયો છે. ૨૪ કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં ૧૩૯ કેસ નોંધાયા, સુરતમાં ૧૨૪, વડોદરામાં ૧૨૭, રાજકોટમાં ૮૮, જામનગરમાં ૧૭, ગાંધીનગરમાં ૨૦, જૂનાગઢમાં ૧૫, ભાવનગરમાં ૮ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે.

Loading...