Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં વધુ ૮૮ કોરોનાગ્રસ્ત : એક રાતમાં વધુ ૬ દર્દીઓએ દમ તોડ્યો

સૌરાષ્ટ્રમાં કોરોના પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ થતી રહી છે. ગઈ કાલે વધુ સૌરાષ્ટ્રમાં ૨૫૮ કોરોના પોઝિટિવ કેસ  નોંધાયા છે. અને રાજકોટ જિલ્લામાં ગઈ કાલે વધુ ૮૮ પોઝિટિવ કેસ અને એક રાતમાં સારવાર લેતા રાજકોટના ૪ સહિત કુલ ૬ દર્દીઓએ દમ તોડ્યા છે.

રાજકોટ જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૬૧ અને ગ્રામ્યમાં વધુ ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે શહેરમાં કુલ ૧૪૦૦થી વધુ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૦૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં આજ રોજ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૬ દર્દીઓએ દમ તોડ્યા છે. જેમાં રાજકોટના લક્ષ્મીવાડીના નરેન્દ્રભાઈ ધીરજલાલ ઝીંઝુવાડિયા (ઉ.વ. ૭૦), જંકશન પ્લોટના રહીમખાન ફતેદિનખાન પઠાણ (ઉ.વ.૬૨), ગીતાનગરના રમેશભાઈ માધવજી પરમાર (ઉ.વ.૭૪),  સંતકબીર રોડ પર હસુમતીબેન રમણિકભાઈ રાઠોડ (ઉ.વ. ૯૦)અને ગ્રામ્ય વિસ્તારમાં ઢોલરા તા. લોધિકાના નરશીભાઈ ગોરધનભાઇ ટીલાળા (ઉ.વ. ૭૦), જેતપુરના મહેમુદાબેન અશરફભાઈ (ઉ.વ. ૬૨)એ આજરોજ કોરોના સામેનો જંગ હારી ગયા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના વધુ સંક્રમણ વધતા કેસમાં પણ વધારો થયો છે. જેમાં ગોંડલમાં ૧૫, ઉપલેટમાં ૩, જેતપુર – પડધરી – કોટડા સાંગણી માં ૨-૨ અને તાલુકા-ધોરાજી-જામ કંડોરનાં માં વધુ ૧-૧ કોરોનાગ્રસ્ત દાખલ થયા છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના કહેર વરસાવી રહ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં વધુ ૩૧ પોઝિટિવ કેસ અને ૪ દર્દીઓના મોત નિપજ્યા છે. સોમનાથ જિલ્લામાં ૨૧, જામનગરમાં ૨૦ કેસ અને ૨ના મોત, અમરેલીમાં ૧૮ કોરોનાગ્રસ્ત અને મોરબીમાં ૭ પોઝિટિવ કેસ અને ૪ પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા છે.

કચ્છમાં પણ કોરોના બેકાબુ બન્યો છે. જેમાં રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયાના પતિ બચુભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બચુભાઇ થોડા દિવસ પહેલા ભુજ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જ્યાં લોકોના સંપર્કમાં આવ્યા હોવાથી ચેપ લાગયાનું જાણવા મળ્યું છે. અને છેલ્લા અઠવાડિયામાં કચ્છ, ભુજ અને ગાંધીધામ માં કોરોના કેસ સતત વધતા રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.