Abtak Media Google News
વિધાનસભામાં ૧૫૦ પ્લસના લક્ષ્યાંક માટે ભાજપે કવાયત: કોંગ્રેસનો આંતરીક વિખવાદ હરીફને ફાયદારૂપ બની રહ્યો હોવાની સંભાવના

ગુજરાતની વિધાનસભા ચુંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ હાથધરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતની વિધાનસભા સીટો માટે ભાજપને ઘણા તબકકે ફાયદાઓ મળી રહ્યા છે. એક તરફ કોંગ્રેસનો આંતરીક વિખવાદ ઉડીને લોકોની આંખે વળગી રહ્યો છે. જેના કારણે ભાજપ વધુ મજબુત દેખાઈ રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં સારો વરસાદ થયો હોવાથી તેની અસર ભાજપ સરકારને હકારાત્મક થશે. આ પરિસ્થિતિ વચ્ચે પણ ભાજપ ગુજરાત વિધાનસભાની ચુંટણીને હળવાશથી લઈ રહ્યું નથી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની ચુંટણીને લઈને ગંભીર છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતની મુલાકાત કરીને ભાજપના કાર્યકરો અને પેજ પ્રમુખો સાથે બેઠકો શ‚ કરી છે. ભાજપે ગુજરાત વિધાનસભા માટે ૧૫૦ પ્લસનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકને પાર પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ આંતરીક વિખવાદ છેલ્લા એક મહિનાથી સપાટીએ આવ્યો છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે સત્તાનો જંગ ખેલાઈ રહ્યો છે. તેમાં પણ હેમત પટેલ બાબતે નારાજગી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસને આંતરીક વિખવાદથી ઝંઝુમવું કે પછી ભાજપના વંટોળનો સામનો કરવો તે મહત્વની બાબત બની રહેશે.

જો કે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ માટેની કવાયત શ‚ કરી છે. આ ડેમેજ કંટ્રોલ કેટલી હદે કારગત નિવડશે તે જોવાનું રહ્યું. કોંગ્રેસે હવે જ્ઞાતિવાદનું રાજકારણ પણ શ‚ કરી દીધું છે પણ વિધાનસભા ચુંટણીમાં મોટાભાગની પરિસ્થિતિ ભાજપ તરફી દેખાઈ રહી છે. આ સ્થિતિમાં પણ ભાજપ વિધાનસભાની ચુંટણીને લઈને એક પછી એક મહત્વના કાર્યક્રમો કરી રહી છે. નરેન્દ્ર મોદી દ્વારા પણ સમયાંતરે ગુજરાતની મુલાકાત કરવામાં આવી રહી છે. તેની સીધી અસર મતદારોને થશે. બીજી તરફ કોંગ્રેસ આંતરીક વિવાદોમાંથી આગળ આવી રહ્યો નથી. હોદા માટે ટાંટીયા ખેંચમાં કોંગ્રેસ વિધાનસભાની તૈયારી યોગ્ય રીતે કરી રહી ન હોવાનું જણાઈ રહ્યું છે તો બીજી તરફ ભાજપ શિસ્તબઘ્ધ રીતે કાર્યક્રમોને આગળ ધપાવી રહ્યું છે. તેમાં પણ સારો વરસાદ થતા હવે ભાજપની દિશામાં મતદારોનો વધુ ભાર રહેશે. ગુજરાતમાં પાણીની સમસ્યા મુખ્ય ગણવામાં આવે છે ત્યારે વિધાનસભા ચુંટણીની અગાઉ જ ભાજપે પાણીની સમસ્યાને નાથવા માટે મહત્વની જાહેરાતો કરી લોકોને રીઝવવાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છે.

કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાનો વિવાદ સપાટી ઉપર આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા શંકરસિંહની સતત અવગણના કરવામાં આવી રહી છે. જેના પરિણામે લોકોમાં કોંગ્રેસ બાબતે એક ગાંઠ બંધાઇ રહી છે. જેની અસર વિધાનસભા ચૂંટણીમાં પણ દેખાવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. કોંગ્રેસ સાથેના વિખવાદ વચ્ચે શંકરસિંહ વાઘેલા ભાજપના નેતાઓને મળી રહ્યા હોવાથી કોંગ્રેસ આ વિવાદોમાંથી આગળ વધી રહી નથી તો બીજીતરફ ભાજપ દ્વારા ચૂંટણીને ધ્યાને લઇને સતત લોકલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને ચૂંટણી અગાઉ કોઇપણ જાતના પ્રશ્ર્નો ઉભા ન થાય તેની ખાસ તકેદારી રાખી છે.

ગુજરાતના લોકોની મુખ્ય સમસ્યાઓને નિવારીને વિધાનસભાની બેઠકો કબજે કરવા તૈયારી: આંતરિક વિખવાદમાં કોંગ્રેસ ચૂંટણીઓની તૈયારીઓમાં પાછળ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.