Abtak Media Google News

શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના સરદાર પટેલ વિરોધી ઉચ્ચારણો સામે વિરોધ કાર્યક્રમ યોજાયો

ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમ નજીક દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ ૩૧ ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત થનાર છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નામથી તૈયાર થયેલી પ્રતિમા ‘મેઈડ ઈન ચાઈના’ છે તેમ કહી સરદાર પટેલનું અપમાન કર્યું છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષતામાં શહેર ભાજપ દ્વારા કિશાનપરા ચોક ખાતે કોંગ્રેસ પ્રમુખ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એટલે કે ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા કે જે નર્મદા નદીની વચ્ચે બનેલા એક ટાપુ પર બનાવવામાં આવી છે.

ત્યારે કોંગ્રેસ સરદાર પટેલને હંમેશા અપમાનિત કરતી આવી છે અને ગુજરાતની ધરા પર આકાર લઈ રહેલી સરદાર પટેલની વિરાટ પ્રતિમા સામે ‘શરમજનક જુઠ્ઠાણા’ ફેલાવી સરદાર પટેલ જ નહીં ગુજરાતની જનતાનું પણ અપમાન કર્યું છે ત્યારે આગામી લોકસભા-૨૦૧૯ની ચૂંટણીમાં જનતા કોંગ્રેસને દેશમાંથી સાવ નેસ્તનાબૂદ કરી જડબાતોડ જવાબ આપશે.

આ તકે કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, રાજુભાઈ ધ્રુવ, શહેર મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.