Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મોરબી, લીંબડી, ગઢડા અને કરજણમાં જાહેર સભા સંબોધી

કેન્દ્રીય મંત્રી  સ્મૃતિ ઇરાનીજીએ મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર  બ્રિજેશભાઈ મેરજા, લીંબડી વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર  કિરીટસિંહ રાણા, ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર  આત્મારામભાઇ પરમાર તેમજ કરજણ વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર  અક્ષયભાઈ પટેલના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધી હતી.

સ્મૃતિ ઇરાનીજીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે નવરાત્રીનું સાતમું નોરતું છે, માં અંબાના ‘કાલરાત્રી’ સ્વરૂપની આરાધનાનો એટલે કે દાનવરૂપી કુનીતિઓના સંહાર કરવાનો અને સત્યનો વિજયને સુનિશ્ચિત કરવાનો દિવસ છે ત્યારે હું સૌભાગ્યવાન છું કે આજના પવિત્ર દિવસે વર્ષો સુધી દેશને લૂંટનારી, ગુજરાત જેવા પ્રગતિશીલ પ્રદેશના વિકાસને રોકવાના ષડ્યંત્રો રચનારી કોંગ્રેસ વિરુદ્ધ શંખનાદ કરવાનો અને ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં ગુજરાત આવવાનો અવસર મળ્યો છે. હું સાંસદ અમેઠીની છું, પણ દીકરી અને વહુ તો ગુજરાતની જ છું. ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્રના નવનિર્માણની સંકલ્પના સાથે બુથ બુથ પર જઈને સંગઠનને સશક્ત કરે છે, ભાજપાના રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓના ચરણોમાં શીશ ઝુકાવી તેમને વંદન કરું છું.

સ્મૃતિ ઇરાનીજીએ જણાવ્યું હતું કે, ભાજપામાં નેતૃત્વ વ્યક્તિના પુરુષાર્થ ઉપર નિર્ભર છે, કોંગ્રેસની જેમ વ્યક્તિ કયા પરિવારમાં જન્મ્યો છે તેના પર નહીં. આજે દેશના કરોડો નાગરિકો સ્વીકારે છે કે, એક ગરીબ પરિવારમાં જન્મેલ વ્યક્તિ એટલે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના પુરુષાર્થ અને ક્ષમતાને કારણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રદેશનો સર્વાંગી વિકાસ કર્યો અને આજે પ્રધાનસેવક તરીકે રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહયા છે. સમગ્ર દેશ આજે તેમના નેતૃત્વ ઉપર ગૌરવ કરી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને મારે પૂછવું છે,  શું કોઈ એક પરિવારના સદસ્ય જ તમારા નેતા છે? કોંગ્રેસ હવે ડૂબતું નાવ છે, જેમનું પોતાનું અસ્તિત્વ જોખમમાં છે તે શું જનતાનું ભલું કરી શકશે?

સ્મૃતિ ઇરાનીજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી અયોધ્યા  રામ જન્મભૂમિના વિષયમાં “મંદિર વહી બનાયેંગે, પર તારીખ નહિ બતાયેંગે કહીને ભાજપા કાર્યકર્તાઓ સહિત કરોડો નાગરિકોની આસ્થાની મજાક ઉડાવી, પરંતું સત્ય કયારેય પરાજીત થતું નથી, કોંગ્રેસ મજાક ઉડાવતી રહી અને દેશમાં એક ગરીબ માં ની કુખેથી જન્મેલા અને પોતાની ક્ષમતા પુરવાર કરીને દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારીનું નિર્વહન કરી રહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભગવાન રામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. કલમ ૩૭૦ અને ૩૫ફને જમ્મુ-કાશ્મીરમાંથી હટાવી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી દેશમાં ‘એક સંવિધાન-એક ધ્વજ’ પ્રસ્થાપિત કર્યું. કોંગ્રેસ દેશને ઇરાદાપૂર્વક વર્ષો સુધી ખંડિત રાખવાનો પ્રયાસ કર્યો. પોતાના અંગત રાજકીય સ્વાર્થ માટે કોંગ્રેસે ભારતીય સેનાના પરાક્રમ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઇક પર પણ સવાલો ઉભા કર્યા. કોંગ્રેસે દેશને બદનામ કરવાનું અને દેશમાં ભાગલા પાડવાની રાજનીતિ કરવાનું દુ:સાહસ કર્યું છે.

સ્મૃતિ ઈરાનીજીએ “તીન તારીખ કો, પોલિંગ બૂથ મેં અવશ્ય જાયેં, કમલ કા બટન દબાયે, ભાજપા કો જીતાયે,   અપને પરિવાર કા ભવિષ્ય ઉજ્જવલ ઔર સુરક્ષિત બનાયે  કહીને જનતાને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી, આગામી વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારો વિજયી બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.