Abtak Media Google News

સામાન્ય સભામાં લોકોના પ્રાથમિક પ્રશ્નો અંગેની ચર્ચા નહિ કરાતા વિપક્ષનું વિરોધ પ્રદર્શન

જામનગર મહાપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભા વિવાદિત રહી હતી. આ સામાન્ય સભામાં કોંગ્રેસે લોકપ્રશ્નો અંગેની ચર્ચા કરવાની પ્રબળ માંગ ઉઠાવી હતી. તેમ છતાં પ્રશ્નોની ચર્ચા ન થતા કોંગ્રેસમાં ભારોભાર રોષની લાગણી જન્મી હતી. જેને પગલે આજે કોંગ્રેસ ધરણાનો કાર્યક્રમ આપવા જઇ રહ્યું છે.

જામનગરના લોકોના પ્રાથમિક પ્રશ્નો અંગે સામાન્ય સભામાં ચર્ચા નહિ કરવા દેવામાં આવતા મેયરના રાજીનામાની માંગણી સાથે પૂર્વ વિપક્ષી કોર્પોરેટર દ્વારા આજ રોજ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવનાર છે.

જામનગર વિસ્તારના આશરે ૬૫૦૦ લોકોની સહી ઝુંબેશ અન્વયે માંગણી કરવામાં આવી હતી કે ભગર્ભ ગટર, એલઇડી લાઈટ અને સીસી રોડની પ્રાથમિક સુવિધા આપવી જોઈએ. પરંતુ સામાન્ય સભામા આ મુદ્દે ચર્ચા કરવા માટે મંજૂરી આપવામાં આવી ન હતી.

જેથી વિપક્ષ દ્વારા મેયરનો પ્રશ્નની ચર્ચા ન કરવા દેવાનો નિર્ણય તાનાશાહી અને પક્ષપાતી ગણાવવામાં આવ્યો હતો. અને આજ રોજ સવારે ૧૧થી ૨ સુધી કોર્પોરેટર અસલમ ખીલજી દ્વારા ધરણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ ધરણા સાથે મેયર હસમુખ જેઠવાના રાજીનામાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.