જમીન વિવાદમાં કોંગી કાર્યકર વિરુદ્ધ થયેલી કાર્યવાહી સામે કોંગ્રેસના ધરણા, ૯૧ની અટકાયત

કોંગી કાર્યકર કનકસિંહ જાડેજા સામે વાવડીની જમીન પ્રકરણમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાતા તેના વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં આજે બહુમાળી ભવન ખાતે ધરણા કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસે સ્થાનિક તંત્ર અને સરકાર વિરોધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે પોલીસે કોંગ્રેસના ૯૧ જેટલા કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ મામલે શહેરમાં પ્રથમ કેસ કોંગ્રેસના કાર્યકર કનકસિંહ સામે નોંધાતા કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકરો આજે પરવાનગી વગર ધરણાં પર બેસતાં પોલીસે ૯૧ જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન એક કોંગી કાર્યકરનો શર્ટ પણ નીકળી ગયો હતો. આ દરમિયાન એક પોલીસકર્મી પણ રસ્તા પર પડી ગયો હતો. કોંગ્રેસના કાર્યકરો આજે બહુમાળી ભવન ખાતે ફરિયાદના વિરોધમાં ધરણાં પર ઉતર્યા હતા અને સરકાર સામે બેનર સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.

આ દરમિયાન પોલીસે મહિલા સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. આ વેળાએ કોંગ્રેસે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે સરકારના ઈશારે અધિકારીઓ સતાનો દુરઉપયોગ કરી કોંગ્રેસના કાર્યકર કનકસિંહ જાડેજા સામે ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકર કનકસિંહ જાડેજા સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી થતા કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે આ કાર્યવાહી સરકારના ઇશારે ખોટી રીતે થઇ છે જેના વિરોધમાં જાડેજા પરિવાર હાઇકોર્ટ સુધી જવાનો હોવાનું કોંગ્રેસે જાહેર કર્યું હતું. ઉપરાંત વિરોધ દર્શાવવા અર્થે કોંગ્રેસે આજે ધરણાનો કાર્યક્રમ પણ આપ્યો હતો પણ આ ધરણામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ઉલાળીયો થયો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખની  ટીંગાટોળી કરી, એક  કાર્યકરનો શર્ટ પણ ફાટી ગયો

પોલીસે આજે ધરણા પર બેસેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત શરૂ કરી હતી. જેમાં અનેક કાર્યકરો પોતાના સૂત્રોચ્ચાર અને ધરણા યથાવત રાખવા માટે પોલીસ સામે ઝઝૂમતા દેખાયા હતા. આ વેળાએ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની ટીંગાટોળી કરી તેમની અટકાયત કરી હતી. આ ઉપરાંત એક કોંગ્રેસી કાર્યકરની અટકાયત કરતી વેળાએ તેનો શર્ટ ફાટી ગયો હતો.

Loading...