કોંગ્રેસની વિધાનસભા કૂચ: ગાંધીનગરમાં કિલ્લેબંધી

બિન સચિવાલયની પરિક્ષામાં ગેરરીતિ, મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને પાકવિમા સહિતના પ્રશ્ને રાજયભરનાં કોંગી આગેવાનોના ગાંધીનગરમાં ધામા: ૬ એસપી, ૨૫ ડીવાયએસપી સહિત ૨૦૦૦થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વિધાનસભાનું ટુંકુ સત્ર આજથી શરૂ થવાનું છે. ત્યારે કોંગ્રેસે આજે બિન સચિવાલયની પરિક્ષામાં ગેરરીતિ, મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને પાક વિમા સહિતના પ્રશ્ર્ને વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે ગાંધીનગરમાં સજજડ કિલ્લેબંધી કરી દેવામા આવી છે. ૬ એસ.પી. અને ૨૫ ડીવાયએસપી સહિત ૨૦૦૦થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આજથી વિધાનસભાના ત્રી દિવસીય ટુંકા સત્રનો પ્રારંભ થયો છે. જેમાં ૪ બેઠક યોજાવાની છે. આ દરમિયાન કેટલાક બીલ પણ રજૂ કરવામાં આવનાર છે. બિન સચિવાલય પરિક્ષામાં થયેલી ગેરરીતિ, દુષ્કર્મની ઘટનાઓ અને પાકવીમા સહિતના પ્રશ્ર્ને વિપક્ષે સરકારને ભીડવવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. આ ઉપરાંત વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ કોંગ્રેસે જાહેરાત કરી છે. જે સંદર્ભે કોંગ્રેસે વિધાનસભા કુનું આહવાન કર્યું છે. જેથી રાજયભરમાથી કોંગી આગેવાનો ગાંધીનગરમાં ઉમટી પડયા હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસની વિધાનસભા કુચને કારણે ગાંધીનગરમાં કિલેબંધી કરવામાં આવી છે. શહેરના તમામ રોડ રસ્તા ઉપર પોલીસ છાવણી ગોઠવી દેવામાં આવી છે. શહેરના પ્રવેશ દ્વારો ઉપર વાહનોને અટકાવવામાં આવી રહ્યા છે. કુલ ૬ એસ.પી., ૨૫ ડીવાયએસપી અને ૭૦ જેટલા પીએસઆઈ તેમજ ૨૦૦૦ જેટલા પોલીસ કર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે સત્રના આજે પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે જેમાં પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખને શોકાંજલી આપવાની સાથે જ બેઠક પૂર્ણ થઈ જશે.

જયારે બીજી બેઠકમાં પ્રશ્ર્નોતરી, એમએસએમઈ તથા ઈલેકટ્રીસીટીના કાયદા મુજબ સુધારાનું બીલ રજૂ કરવામાં આવશે. સત્રના બીજા દિવસે ૫ બીલ હાથ ઉપર લેવામાં આવશે. જેમાં જીએસટીને લગતુ બિલ કે જેમાં યથાવત સિસ્ટમમાં ફેરફાર કરાશે. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડમાં સુધારા દાવા ચુકવવાની મુદત ૯૦ થી વધારીને ૩૬૫ દિવસ કરાશે. સહકારી મંડળીના અધિનિયમનો સુધારો પ્રોફેશનલ ટેકનોલોજી બીલ રજૂ કરાશે.

સત્રના ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અકે અલગ ઓથોરીટીની રચના અંગેનું બીલ લાવવામાં આવશે. આ વિધેયક અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ભીખમાંગવી કે દલાલી કરવીએ ગુનો બનશે અને આ પ્રકારનાં ગુના બદલ વ્યકિતને એકમાસની કેદ અને રૂ.૫ હજાર સુધીનાં દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ સાથે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિનો પ્રસ્તાવ મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા લાવશે.

સ્થાનિક કોંગી અગ્રણીઓ ગાંધીનગર ન પહોચે તે માટે ઘરની બહાર પોલીસ પહેરો ગોઠવાયો !

વિધાનસભા કૂચના આહવાનને પગલે સૌરાષ્ટ્રનાં સ્થાનિક કોંગી અગ્રણીઓના ઘરની બહાર રાતભર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતનાં ઘરની બહાર પણ પોલીસે રાતભર પહેરો ગોઠવી દીધો હતો. પરંતુ તેઓ પોલીસને ચકમો આપીને ગાંધીનગર જવા માટે નીકળી ગયા હતા. તેમની સાથે વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, વોર્ડ નં.૧૨ના મહામંત્રી યુવરાજસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર તેમજ પ્રવિણ મુછડીયા પણ ગાંધીનગર જવા રવાના થયા છે.

Loading...