Abtak Media Google News

પુરાવા એકઠા કરવા ચારેયના રિમાન્ડ મગાશે: અપહરણના ઉપયોગમાં લેવાયેલી કાર કબ્જે: જસદણના રઘુ ગીડાની શોધખોળ

જે હાથે બહેન પોતાના વીરાને રાખડી બાંધતી હોય છે ત્યારે પોતાની બહેનને ઉની આચ ન આવે તેવી ભાવુક ભાવના વ્યક્ત કરતા અને બહેનના રક્ષણ માટે તત્પર રહેતા ભાઇઓ જ્યારે બહેનને મોતને ઘાટ ઉતારી દેવાની હૈયુ હચમાવતી ઘટનાનો પોલીસે પર્દાફાસ કરી મૃતક કાઠી પરિવારની યુવતીના બે ભાઇ સહિત ચારની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા જસદણના શખ્સની પોલીસે શોધખોળ હાથધરી છે.

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતી પૂનમબેન વાળાની હત્યા સગ્ગા બે ભાઇ સહિતના શખ્સોએ કર્યાની નનામી અરજીની પોલીસ દ્વારા કરાયેલી છાનભીનમાં સ્ફોટક વિગતો બહાર આવી હતી. બિલ્ડીંગ અને ફાયનાન્સ વ્યવસાય સાથે જોડાયેલા બિશુભાઇ વાળાની યુવાન પુત્રી પૂનમબેન વાળાને પ્રેમ સંબંધના કારણે નાના તેના ભાઇ બિરેન વાળા અને રાજવીર વાળાએ કાવત‚ રચી ગત તા.૨૫મીએ માતા જનકબેન અને બહેન પૂનમનું કારમાં અપહરણ કરી માતાને કોઠારિયા રોડ પર ઉતારી દીધા બાદ પૂનમબેન વાળાને જસદણ અરવિંદભાઇની વાડીએ લઇ જઇ ઝેરી દવા પીવડાવી હત્યા કર્યાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. આર.સી.કાનમિયાએ બિરેન વાળા, રાજવીર વાળા, દડવાના ગૌતમ વજુભાઇ વાળા અને જૂનાગઢના મહેશગીરી ઉર્ફે મામુની ધરપકડ કરી ચારેયની પૂછપરછ કરતા પૂનમબેન વાળાને જસદણ અરવિંદભાઇની વાડીએ લઇ ગયા બાદ પ્રથમ તેને ઝેરી દવા પી લેવા દબાણ કર્યુ હતુ પણ પૂનમબેન વાળાએ પોતાના ભાઇઓને આમ ન કરવા આજીજી કરી હતી પણ તેઓ એકના બે થયા ન હતા અને પૂનમબેનના બંને પગ બિરેન વાળાએ પકડી રાખ્યા હતા રાજવીર વાળા અને ગૌતમ વાળાએ બંને હાથ અને માથુ પકડી રાખ્યા બાદ જૂનાગઢના મહેશગીરી ઉર્ફેમામુએ કપાસમાં છાટવાની ઝેરી દવા પીવડાવી દેતા પૂનમબેન વાળા તરફડીયા મારી મોત નીપજયા બાદ લાશને ભંગડા લાવી પોતાના માતા-પિતા ભંગડા આવે તે પહેલાં અગ્નિ સંસ્કાર કરી નાખ્યાની કબૂલાત આપી છે.

પૂનમબેનને વિદેશ જવા બાબતે સમજાવતા ઝઘડો થયો હોવાનું અને પોતાની જાતે ઝેરી દવા પી લીધાની ખોટી સ્ટોરી પરિવારજનોને કહી કંઇ બન્યું ન હોય તે રીતે રહેવા લાગ્યા હતા. પોલીસે બિરેન વાળા અને રાજવીર વાળાની ધરપકડ કર્યા બાદ હલેન્ડા બસ સ્ટેશન પાસેથી દડવાના ગૌતમ વજુભાઇ વાળા અને જૂનાગઢના મહેશગીરી ઉર્ફે મામુની ધરપકડ કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા જસદણના રઘુ ગીડાની શોધખોળ હાથધરી છે.

પોલીસે હત્યાના ગુનામાં પુરાવા એકઠા કરવા ગઇકાલે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં પંચનામું કર્યા બાદ કાર કબ્જે કરી હતી. જસદણ અરવિંદભાઇની વાડીએ અને ભંગડા સ્મશાનમાં એફએસએલ અધિકારીને સાથે રાખી તપાસ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.