પડધરી તાલુકામાં મગફળીનું ધોવાણ થતા ખેડૂતોમાં ચિંતા

ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરવા માંગ

પડધરી તાલુકામાં તાજેતરમાં પડેલા વરસાદના પગલે ખેડૂતોની મગફળીનું ધોવાણ થઇ ગયુ છે. પાકને નુકશાન જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. જેથી નુકસાનીનો સર્વે કરવા તાલુકાના ખેડૂતોની માંગ છે.

ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે ત્યારે પડધરી તાલુકા માં ઘણા બધા ગામોમાં ત્રણથી ચાર ઇંચ થી પણ વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોએ વાવેલા પાકને ઘણું બધું નુકસાન થયું છે. ખેડૂતોએ દિવસ રાત મહેનત કરી છેલ્લા પાંચ મહિનાથી વાવણી વાવી અને અથાક પરિશ્રમ કરી પોતે વાવેલા પાકની માવજત કરી જ્યારે આ પાકને ઉત્પાદન થવાનો વારો આવ્યો અને તેને લણવાનો વારો આવ્યો ત્યારે કમોસમી વરસાદથી મગફળી ના પાથરા ધોવાઈ ગયા. મગફળી પાણી માં ધોવાઈને વહી ગઈ. ભૂકો પલળી ગયો જેથી આ ભૂકો પશુઓના ઘાસચારા માટે પણ ઉપયોગ આવી શકે તેમ નથી. તેમજ કપાસ અને અન્ય પાકો ને પણ ભારે નુકસાન થયું છે. પડધરી તાલુકાના ખજૂરડી અને ખોડાપીપર ગામના ડેમે અંદાજે ૩ થી ૪ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.  પડધરી તાલુકા ખેડૂતોની માંગણી છે કે તુરંત જ સરકાર દ્વારા આ નુકસાનીનો સર્વે કરી અને જગતના તાતને આ કુદરતી આફતથી બચાવે. તેવી આશા સેવાઇ રહી છે.