રંગીલુ,રંગીલુ મારું કાઠીયાવાડ : આજથી ઉત્સવોના દિવસો શરૂ

આવનારા બે માસમાં વિવિધ તહેવારોની ઉજવણી થશે જેમાં એવરત-જીવરત-શિવપૂજન-રક્ષાબંધનને સાતમ-આઠમના તહેવારો

ગુજરાત-સૌરાષ્ટ્રની પ્રજા ઉત્સવ પ્રિય સાથે વિવિધ તહેવાર ઉજવણી માટે જાણીતા છે. આ પ્રજા દર માસે કોઈકને કોઈક તહેવાર ઉજવે છે. પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે આવનારા તહેવારોમાં થોડી ઝાંખપ આવશે પણ ઉજવશે તો ખરા જ. આવનારા બે માસ જુલાઈ-ઓગસ્ટમાં વિવિધ તહેવારો આવી રહ્યા છે જેમાં આજથી શરૂ  થતા જયાપાર્વતી વ્રત પાંચ દિવસ ચાલશે, જાગરણ પણ આવશે. નાની છોકરીઓના મોળાવ્રત સાથે શિવપૂજન-રક્ષાબંધનને સાથે રાંધણ છઠ્ઠથી શરૂ  કરીને નોમ સુધી સતત ચાર-પાંચ દિવસ મેળાનો જલ્વો માણશે. જોકે આ વર્ષે તંત્ર દ્વારા મેળો યોજાવાનો નથી.

જયાપાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩ થી અષાઢ વદ બીજ સુધી સતત પાંચ દિવસ ઉજવાય છે. તા.૩/૭ થી તા.૭/૭ સુધી આ વ્રત ઉજવાશે. આ વ્રત સતત ૨૦ વર્ષ કરવાનું હોય છે. સૌભાગ્યવતી બહેનો તેરસના દિવસે વહેલા ઉઠી, નાહી-ધોઈ શિવમંદિરે જઈ શિવપાર્વતીની પુજા કરે છે. આ વ્રતના દિવસોમાં મીઠા વગરનું-ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે સાથે સુકો મેવો કે દુધ પણ લેતા હોય છે.

સતત ૨૦ વર્ષથી લાંબી યાત્રામાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને, બીજા પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવાનું હોય છે. આ વિધી વિધાનની શાસ્ત્રોમાં નોંધ છે. જેમાં બાળકોમાં નાનપણથી વિવિધ સંસ્કારો-ગુણોનું સિંચન થાય તે માટે વૈજ્ઞાનિકઢબે આપણા શાસ્ત્રોમાં આયોજન છે. આ વ્રતના માધ્યમથી બાલીકાઓ અને સ્ત્રીઓમાં સંસ્કારો સિંચાતા જોવા મળે છે. જાગરણમાં આખી રાતને દિવસ જાગવાનું હોય તેની પાછળ પણ તર્ક છે કે જયારે કુટુંબ પર આફત આવે ત્યારે સ્ત્રીઓ ઉપર ઘણી જવાબદારી આવે છે ત્યારે તે પુરી સભાનતાથી સતત જાગૃત રહીને કાર્ય સંપન્ન કરે તેવો હેતુ છે. આપણા બધા ઉત્સવો, તહેવારો આપણા જીવનમાં આનંદ લાવે છે. નવા રંગરૂ પને નવા વસ્ત્રો-આભુષણોથી સુંદર તૈયાર થઈને ક્ધયાઓ સારા પતિની આશા ઉમંગ સાથે વ્રતો કરે છે.

જયાપાર્વતીના વ્રતના નામ મુજબ જ સૌપ્રથમ વખત આ વ્રત પાર્વતીએ શિવજીને પતિ તરીકે પામવા વ્રત કરેલ હતું. માતા પાર્વતીએ જે વ્રત કર્યા હતા તેજ વ્રત આજે સ્ત્રીઓ અને બાલિકાઓ કરતી જોવા મળે છે. એકાદશીથી પૂનમ સુધીનું વ્રત કરે તેને ગૌરીવ્રત પણ કહેવાય છે. અમુક વિસ્તારોમાં તેને ગોરિયો પણ કરે છે. સૌભાગ્યવતી કે મોટી સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે જેમાં શંકરના મંદિરે જઈ શંકર-પાર્વતીની પુજા કરી તેના નામ સ્મરણ કરે છે. દરેક વ્રત કરનારી સ્ત્રી તેના જીવનમાં શ્રેષ્ઠ, સદગુણી, સંસ્કારી પતિ મેળવવા કુંવારી ક્ધયાઓ આ વ્રત કરે છે. એવું મનાય છે કે, જે કોઈ સ્ત્રી આ વ્રત કરે તેને શંકર-પાર્વતીની અપાર કૃપા મળે છે. વ્રત પુરુ થયે જાગરણ પણ કરવું પડે છે. વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણ દંપતીનો જમણવારને દાન-દક્ષિણા આપવી પડે છે. કેટલાક તો સૌભાગ્યની અખંડિતતા માટે કંકુ-કાજલ જેવી વિવિધ વસ્તુઓ દાનમાં આપે છે. આ વ્રત પાછળનો હેતુ એવો છે કે જે કરે તે ઘર-પરિવારમાં આનંદોત્સવ-ઉલ્લાસભર્યો રહે છે. મુખ્યત્વે આ વ્રત શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચના, આરાધનાનું વ્રત છે. આ વ્રત પાંચ વર્ષથી લઈને ૨૦ વર્ષ સુધી કરી શકાય છે.

આપણી કાઠિયાવાડી સંસ્કૃતિમાં ગુજરાતની અસ્મિતામાં ચોમાસું શરૂ  થાયને ઘણા તહેવારોની ઉજવણી શરૂ  થઈ જાય છે. ભારતની વૈદિક સંસ્કૃતિમાં અનેક પ્રકારનાં વ્રતો દર્શાવાયા છે. કુમારીકાઓ ગૌરીવ્રત પૂરા ઉલ્લાસ સાથે ઉજવે છે. આ વ્રતમાં બ્રાહ્મણ દંપતીની વાર્તા પણ વાંચવામાં આવે છે. કોડિયામાં સાત પ્રકારનાં ધાન્ય વાવવામાં આવે છે જેને ઝવારા કહેવાય છે. ચાર દિવસ તેની પુજા કરીને તેને નદી-વાવ કે તળાવમાં વિસર્જન કરાય છે. આ વ્રત દરમ્યાન દરરોજ સવારે શંકર ભગવાનની પુજા કરવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કુંવારિકાઓ આ વ્રત કરતા તે સ્ત્રી સૌભાગ્યવતી બને છે. આ ગાળા દરમ્યાન ચોમાસાના ચાર મહિના એટલે ભગવાન શ્રી હરીનો શયનકાળ હોય છે. આ વ્રત કરવાથી સારો પતિ મળે છે, અખંડ સૌભાગ્યવતી બને છે તેમજ સુંદર પુત્ર રત્નની માતા બને છે. પૌરાણિક શાસ્ત્રો મુજબની વ્રત વાર્તા પછી દરેક સ્ત્રી આ વ્રત કરે છે. ભગવાન ભોળાનાથ અને મા પાર્વતી દરેક વ્રત કરનારી સ્ત્રીની મનોકામના પૂર્ણ કરે છે.

આવનારા વિવિધ તહેવારો

 • તા.૩ થી ૭ જુલાઈ – જયાપાર્વતીનું વ્રત
 • તા.૨૦ જુલાઈ – એવરત-જીવરત વ્રત/ સોમવતી અમાસ
 • તા.૨૧ જુલાઈથી શિવપૂજન શરૂ , શ્રાવણી પર્વ
 • તા.૩ ઓગસ્ટ – પૂનમ, રક્ષાબંધન
 • તા.૮ ઓગસ્ટ – નાગપંચમી
 • તા.૧૨ ઓગસ્ટ – કૃષ્ણ જન્મોત્સવ, સાતમ, આઠમ તહેવાર
 • તા.૧૫ ઓગસ્ટ – સ્વતંત્ર પર્વ ઉજવણી
 • તા.૨૨ ઓગસ્ટ – ગણેશ ચતુર્થી
 • તા.૧ સપ્ટેમ્બર – અનંત ચૌદશ – ગણેશજી વિસર્જન
 • તા.૨ સપ્ટેમ્બર – શ્રાદ્ધ પ્રારંભ
 • તા.૧૮ સપ્ટેમ્બર – અધિક માસ શરૂ (૧૮/૯ થી ૧૬/૨૦ સુધી અધિક માસ છે.
 • તા.૧૭ ઓકટોબરથી ૨૬ ઓકટોબર – નવરાત્રી ઉત્સવ

આવનારા આ બધા તહેવારો કોરોના ઈફેકટને કારણે સામાજીક અંતર- મોઢા પર માસ્ક સાથે બહુ ભીડ ન કરીને ઉજવાય તો કોરોનાને નાથવાની સાથે આપણે ઉત્સવ પણ પુરી સભાનતાની ઉજવવા પડશે.

Loading...