કેશોદનાં અક્ષયગઢની ૨૮૧ એકર જમીન ખાલસા કરતા કલેક્ટર

તંત્રનાં હુકમનું પાલન કરવામાં રાજકીય દખલગીરી નહીં થાય તો વિશાળ જમીનમાં વિકાસલક્ષી કામો થઈ શકશે

કેશોદ શહેરી વિસ્તારમાં આવેલ અક્ષયગઢ સોરઠ ક્ષય નિવારણ સમિતિને ટી.બી.હોસ્પીટલના ઉપયોગ માટે ગુજરાત સરકારનાં મહેસૂલ વિભાગ દ્વારા તા.૨૬/૮/૧૯૬૬ નાં રોજ સરવે નંબર ૨૨૯/૩ એકર ૯૦-૧૧ ગુઠા તા.૧/૫/૬૭ નાં રોજ સરવે નંબર ૨૨૯/૪ એકર ૧૫૫-૩૪ ગુઠા સરવે નંબર ૨૨૯/૨ પૈકી એકર ૨૩-૨૬ ગુઠા અને તા.૩૧/૮/૧૯૭૦ નાં રોજ સરવે નંબર ૨૨૯/૨ પૈકી એકર ૧૧-૧૦ ગુઠા મળીને કુલ જમીન એકર ૨૮૧-૦૧ ગુઠા શરતોએ નિયંત્રિત સતા પ્રકારની ફાળવવામાં આવી હતી.

આ જામીન સોરઠ ક્ષય નિવારણ સમિતિ અક્ષયગઢના સ્થાપક સ્વાતંત્ર્ય સેનાની અને આરઝી હકૂમત નાં સરસેનાપતિ સ્વ. શ્રી રતુભાઈ અદાણીની હયાતીમા જેમ ની તેમ હતી.

સોરઠ ક્ષય નિવારણ સમિતિ દ્વારા વર્ષ ૧૯૯૮ માં સરકાર દ્વારા શરતો હેઠળ ફાળવેલી જમીનમાં નવી શરત માથી જુની શરત મા ફેરફાર કરવા અને ખેતી નાં ઉપયોગ માં લેવાં મંજુરી માંગવામાં આવતાં તા.૧૫/૭/૨૦૦૦ નાં રોજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા શરતભંગ સબબ બીન બોજે બીન વળતરે ખાલસા કરી શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો હતો.

વિવાદિત જમીનનાં હુકમ વિરુદ્ધ અક્ષયગઢ સોરઠ ક્ષય નિવારણ સમિતિ દ્વારા રીવીઝન અરજી કરવામાં આવતાં જે કાઢી નાખવામાં આવતાં ગુજરાત હાઇકોર્ટેમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, વિવાદાસ્પદ જમીન પડતર હોવાનું અને હોસ્પિટલનાં નિભાવ ખર્ચ માટે નવી શરત માંથી જુની શરતમાં બદલી ખેતીવાડી માટે માંગ કરેલ હતી.

જુનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા હુકમ કરી, કેશોદ મામલતદાર કચેરી દ્વારા સ્થળ પંચ રોજકામ તા.૨૨/૬/૨૦૨૦ નાં કરાવતાં વિવાદાસ્પદ જમીન પર અન્ય ઈસમો દ્વારા વાવેતર કરવામાં આવેલ હોવાનું અને લાંબા સમયથી ખેડાણ કરી વાવેતર કરવામાં આવતું હોવાનું ધ્યાને આવેલ હતું અને ટી.બી.હોસ્પીટલની જગ્યાએ શાળા અને હોસ્ટેલ બનાવી ઉપયોગ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતાં અક્ષયગઢ સોરઠ ક્ષય નિવારણ સમિતિ દ્વારા જે રજુઆતો કરી હતી એ પાયાવિહોણી સાબિત થઈ હતી.

જુનાગઢ જિલ્લા કલેકટર ડો સૌરભ પારધી દ્વારા વિવાદ વાળી જમીન કેશોદ શહેરી વિસ્તારમાં આવેલ હોય ભવિષ્યમાં સરકાર શ્રી નાં અન્ય જાહેર હેતુ માટે ઉપયોગી હોય, સોરઠ ક્ષય નિવારણ સમિતિ અક્ષયગઢને ૬૦ વર્ષ પહેલાં ફાળવેલી કુલ જમીન એકર ૨૮૧-૦૧ ગુઠા અંદાજે સાતસો વીઘા જમીન શરતભંગ હેઠળ ખાલસા કરી શ્રી સરકાર હેઠળ લેવાનો હુકમ કર્યો છે.

એક વાત મુજબ કેશોદ નજીક આવેલા અક્ષયગઢમાં સ્વ. રતુભાઈ અદાણીનાં નિધન બાદ સોરઠ ક્ષય નિવારણ સમિતિ ના ટ્રસ્ટી મંડળમાં સ્વામિનારાયણ ગુરુકુળનાં સાધુઓને ઉમેરો કરી, સોરઠ ક્ષય નિવારણ સમિતિનું સંચાલન સોંપવામાં આવતાં, સેવાકીય સંસ્થા અને સ્વ. શ્રી રતુભાઈ અદાણીનાં મુલ્યોને નેવે મૂકી વ્યાપારીકરણ કરવામાં આવતાં વારંવાર વિવાદો સર્જાતાં રહ્યા છે.

દરમિયાનમાં જ જુનાગઢ જિલ્લા કલેકટર અને કેશોદ નાયબ કલેકટર ત્થા મામલતદાર કચેરી દ્વારા નિષ્ઠાપૂર્વક તમામ પ્રકારની કાર્યવાહી કરી છે, ત્યારે આટલી વિશાળ જગ્યાનાં હુકમની અમલવારી અટકાવવા રાજકીય આગેવાનો મેદાને પડયા છે અને એનકેન પ્રકારની આટીખુટી કરીને આઠસો વીઘા જમીન બચાવવા નિતિમતા નેવે મૂકવા થનગની રહ્યા હોવાની કેશોદમાં ચર્ચા છે.

છેલ્લા વીસ વર્ષની કાયદાકીય લડાઈ બાદ થયેલા કલેકટર ના હુકમ વિરુદ્ધ ફરીથી રાજકીય વગ અને ધર્મની આડમાં ફરીથી વિવાદ ઘોંચમાં નાખવામાં આવશે ? કે કેશોદ શહેર-તાલુકાનાં રહીશોના જાહેર હિતના ઉપયોગમાં આ જામીન લેવાશે એ આવનારાં દિવસોમાં ખબર પડશે.અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યા દ્વારા વગર મંજુરી એ હેતુફેર કરી ઉપયોગમાં લેવાતી જમીન શરતભંગ હેઠળ ખાલસા કરવા ફરિયાદ કરી છે અને તે હેઠળ પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Loading...