Abtak Media Google News

સમગ્ર રાજયમાં ૧૬.૫ ડિગ્રી સાથે ગાંધીનગર રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું: રાજયનાં સાત શહેરોમાં ૨૦ ડિગ્રીથી નીચું તાપમાન

રાજકોટનું લઘુતમ તાપમાન ૧૯.૪ ડિગ્રી, મહતમ તાપમાન ૨૩.૪ ડિગ્રી નોંધાયું

ચોમાસાની સિઝને વિદાય લેતાની સાથે જ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં શિયાળાની અસર વર્તાવવા લાગી છે. પાછલા બારણે જાણે ઠંડીના પગરવ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે અને મોડીરાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જયારે બપોરે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. રાજયમાં સતાવાર રીતે શિયાળો ૧૫મી નવેમ્બર બાદ શરૂ થાય તેવી સંભાવના છે. આગામી ૨૦ દિવસ બેવડી સિઝનનો અનુભવ થતો રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજયભરમાં શિયાળાની સિઝનનો ધીમે-ધીમે પ્રારંભ થઈ રહ્યો છે. અધિક માસને બાદ કરતા દર વર્ષ દિવાળી બાદ ઠંડીની શરૂઆત થતી હોય છે જોકે આ વખતે અધિક માસ હોય દિવાળી પૂર્વે શિયાળાની અસર વર્તાય રહી છે. ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત સાત શહેરોમાં ગરમીનો પારો ૨૦ ડિગ્રીથી નીચે જયારે મોટાભાગના શહેરોમાં ૨૩ ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. સમગ્ર રાજયમાં ૧૬.૫ ડિગ્રી સાથે ગાંધીનગર રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજયમાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતા લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી દિવસોમાં રાજયના મોટાભાગના શહેરોમાં ઠંડકનું પ્રમાણ યથાવત રહેવાની સાથે નવેમ્બરથી શિયાળાનો પ્રારંભ થવાની વકી હવામાન વિભાગે વ્યકત કરી છે.

રાજયમાં નીચલા લેવલે શરૂ થયેલા ઉતરપૂર્વીય ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજયનાં ૭ શહેરોમાં ઠંડીનો પારો ૨૦ ડિગ્રી નીચે પહોંચ્યો હતો. અમદાવાદમાં ૪ દિવસમાં બીજીવાર ઠંડીનો પારો ૨૦ ડિગ્રી નીચે પહોંચ્યો છે. આ ઉપરાંત રાજકોટ શહેરની વાત કરીએ તો છેલ્લા ૪ દિવસમાં આજે બીજીવાર ઠંડીનો પારો ૨૦ ડિગ્રીથી નીચે જઈ ૧૯.૪ ડિગ્રીએ પહોંચ્યો હતો અને મહતમ તાપમાન ૨૩.૪ ડિગ્રી નોંધાયું હતું. પવન ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાયો હતો અને હવામાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા નોંધાયું હતું.

આ ઉપરાંત અન્ય સાત શહેરોમાં એટલે કે ગાંધીનગર, અમદાવાદ, કેશોદ, નલીયા, દિશા, વલસાડ અને રાજકોટનું તાપમાન આજે ૨૦ ડિગ્રી કરતા નીચું નોંધાયું છે.વહેલી સવારે અને મોડીરાત્રે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે લોકો હવે ગરમ કપડા કાઢી રાખે તેવી વકી છે. આગામી ૨૦ દિવસ સુધી ડબલ ઋતુનો અનુભવ લોકોને થશે અને દિવાળી બાદ ઠંડી વધુ જોર પકડે તેવી પણ સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.