Abtak Media Google News

ગુજરાત સુખી-સમૃધ્ધ, સલામત અને શક્તિશાળી બને તેવી મનોકામના વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યોનો પણ આરંભ કરાવ્યો હતો. તેમણે અંબાજી માતાના દર્શન વિશ્વભરના માઇભક્તો લાઈવ જોઈ શકે  અને મેળો માણી શકે તે હેતુસર  લાઈવ વેબ કાસ્ટીંગ, અંબાજી દર્શને આવનારા યાત્રિકોને અંબાજીની  માહિતી મળી રહે તે માટે ઓટોમેટેડ એસ.એમ.એસ. હેલ્પલાઇન સીસ્ટમ,  મેળામાં ખોવાયેલા બાળકો તેમના માતા પિતા કે વાલીને સરળતાથી પાછા મળી જાય તે માટે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી બાળકોને  આરએફઆઈડી કાર્ડ વિતરણ અને ચાઈલ્ડ મિસિંગ હેલ્પ લાઈનનો તેમજ વૃદ્ધ દિવ્યાંગ  અશક્ત લોકો માટે  મેળા દરમ્યાન વિનામૂલ્યે બસ સેવાનો પણ આરંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માઇભક્તોને શુભેચ્છાઓ પાઠવી તેમની ભક્તિને બિરદાવતાં જણાવ્યું કે, આરાધના, ઉપાસના, ભક્તિ, શ્રધ્ધા અને તપથી માણસને જીવનની સાચી દિશા મળે છે. અંબાજી તીર્થસ્થાન સદીઓથી માઇભક્તોની શ્રધ્ધા અને ભક્તિનું પરમ પવિત્ર યાત્રાધામ રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત સુખી-સમૃધ્ધ, સલામત અને શક્તિશાળી બને તેવી માતાજીને પ્રાર્થના કરી મનોકામના વ્યક્ત કરી હોવાનું જણાવ્યું હતું.

8 9 2019 Hon. C.m Sir At Ambaji 1

શ્રી અંબાજી મંદિરમાં ચઢાવવામાં આવતા નારીયેળ, ગુલાબ, ફુલો, ચુંદડી, અગરબત્તી, ધજાઓ વગેરેમાંથી પડતા વેસ્ટમાંથી અનેકવિધ વેલ્યુએડેડ ચીજવસ્તુઓ બનાવી વેચાણ અર્થે મુકી શકાય તેમજ ચુંદડીમાંથી ફાઇલ, ફોલ્ડર, બેગ, બાસ્કેટ, કેપ, બેલ્ટ, તોરણ, ચકડા, ગીફ્ટ જેવી આર્ટીકલ વસ્તુઓ તથા માતાજીને ચઢાવવામાં આવતા શ્રીફળમાંથી લાડુ બનાવી કુપોષિત બાળકોને આપવાનો ઉપરાંત શ્રીફળની છાલમાંથી ગણેશજીની મૂર્તિ અને પેપર બેગ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેના થકી વનવાસી બહેનોને આર્થિક ઉપાર્જન થશે.

8 9 2019 Hon. C.m Sir At Ambaji 11

અંબાજી મેળામાં મુખ્યમંત્રીના હસ્તે પોતાના માતા-પિતાથી વિખુટા પડેલા બાળકો માટે માતૃમિલન પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ૨૪ કલાક ટોલ ફ્રી નં. ૧૦૯૮ શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર ફોન કરી વિખુટા પડેલા બાળકોની ભાળ મેળવી શકાશે. વોડાફોન સર્વિસ દ્વારા વિશેષ ચાઇલ્ડ મીસીંગ હેલ્પલાઇન કંટ્રોલ રૂમ કાર્યાન્વિત કરાતાં આધુનિક ટેકનોલોજીયુક્ત કાર્ડ બાળકના ગળામાં પહેરાવી અને બાળકના માતા-પિતા અથવા વાલીના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આરએફઆઈડી કાર્ડ પહેરેલું બાળક મળી આવે ત્યારે સ્કેનરવાળા કોઇપણ સેન્ટર પર જે તે બાળકને સ્વયંસેવકો, પોલીસ કર્મચારીઓ, વોલેન્ટીયર્સ અથવા જે વ્યક્તિને બાળક મળી આવે તે વ્યક્તિ બાળકને કંટ્રોલરૂમમાં પહોંચાડશે. અને તેમના વાલીઓ સુધી ઓટોમેટેડ એસ.એમ.એસ.થી જાણ કરાશે. વાલીઓ પોતાના બાળકની ઓળખ આપી પોતાના વિખુટા પડેલા બાળકને સ્વગૃહે પરત લઇ શકશે.

8 9 2019 Hon. C.m Sir At Ambaji 8

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબહેન રૂપાણી, સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી અને કેશાજી ચૌહાણ, કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, પોલીસ અધિક્ષક અજીત રાજ્યાન, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, વહીવટદાર એસ.જે.ચાવડા, દાંતા પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.