Abtak Media Google News

રાજ્યમંત્રી હકુભા જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી કોરોના અંગેની વિસ્તૃત વિગતો આપી

જામનગરમાં કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ચિંતિત છે અને કોરોનાની સારવાર માટે અમદાવાદથી ચાર તબીબો ઉપરાંત ત્રણ નિષ્ણાત ડોક્ટરોને  કોરોનાગ્રસ્ત માટે અમદાવાદથી જામનગર મૂકવામાં આવ્યા છે.આ માહિતી આપતા રાજયમંત્રી હકુભા જાડેજાએ પત્રકર પરિષદમાં જામનગરમાં ચાલી રહેલી કોરોના અંગેની કામગીરીની વિસ્તૃત વિગતો પણ આપી હતી. રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહેસુલ સેવાસદનના સભાખંડમાં જામનગરના પત્રકાર મિત્રોને સંબોધન કર્યું હતું. સાથે જ જામનગરમાં થઇ રહેલી કોવિડ સામેની લડાઈની વિગતવાર માહિતી મીડિયામિત્રોને આપી હતી.રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલ જામનગરમાં શહેર વિસ્તારમાં ૨૩ ધન્તવન્તરી રથ, ૭ સંજીવની રથ અને ૧૮ મોબાઇલ ડોક્ટર્સની ટીમ કાર્યરત છે. જે લોકોના આરોગ્યની તપાસણી તેમજ હોમઆઇસોલેશનમાં રહેલા ૭૦૦ જેટલા વ્યક્તિઓના હેલ્થનું મોનીટરીંગ કરે છે. ૧૮ જેટલી મેડિકલ ટીમ દ્વારા ઘરે જઈને લોકોની સારવાર કરવામાં આવી રહી છે. શહેરના જુદા જુદા સ્થળોએ તથા ૨૩ ધન્વન્તરી રથના લોકેશન પર ૪ લાખ જેટલી હોમયોપેથીક દવા અને ૨ લાખ જેટલા લોકોને ઉકાળાનું વિતરણ કરાયું છે અને આગામી દિવસોમાં ગુજરાતના આયુષ મંત્રાલય દ્વારા સંશમનીવટી ગોળીઓનું વિતરણ શહેરી વિસ્તારમાં કરી લોકોની રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જામનગર શહેરમાં ૭ સંજીવની રથ દ્વારા ૨૪ કલાક ઓન કોલ ઘરબેઠા આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી રહી છે તેમજ ૧૨ અર્બન હેલ્થ સેન્ટર અને ૨૩ ધન્વન્તરિ રથ તેમજ જી.જી.હોસ્પિટલમાં કોરોનાના લક્ષણ ધરાવતા વ્યક્તિઓના વિનામૂલ્યે એંટીજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. દાખલ થયેલ દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે અને તેઓને માનસિક સહારો આપવા માટે કાઉન્સિલર થકી તેમનો ઉત્સાહ વધારવા માટેની કામગીરી પણ આગામી દિવસોમાં કરવામાં આવશે,

Dsc 0187

દર્દીઓના સગાને દિવસમાં ઓછામાં ઓછા એક વાર ફોન દ્વારા દર્દીની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવે છે.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અમદાવાદથી પણ ૩ નિષ્ણાત ડોક્ટરની ટીમ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવી છે. જેઓ જી.જી.હોસ્પિટલ સાથે સંકલન કરીને સતત મોનિટરિંગ કરશે. આ ઉપરાંત હોસ્પિટલ માટે બે ફિઝિશ્યન તથા બે એનેસ્થેટીસ્ટ એમ કુલ ચાર ડોક્ટરો અમદાવાદથી તાત્કાલિક નિયુક્ત કરવામાં આવ્યા છે જે જામનગર ખાતે કોવિડ દર્દીઓની સારવારમાં કાર્યરત થશે.આ પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા ઉપસ્થિત રહ્યા હતા.

અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કોરોનાની તાજેતરની સ્થિતિની કરી સમીક્ષા

જામનગરમાં રાજ્યના અધિક મુખ્ય સચિવ (મહેસુલ) પંકજકુમારે કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે એકબેઠકમાં કરી હતી જેમાં  હકુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ મહેસુલ પંકજકુમારના અધ્યક્ષસ્થાને જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં કોવિડની વર્તમાન સ્થિતિ વિશેની સમીક્ષા બેઠક યોજાયહતી. આ બેઠકમાં સચિવ દ્વારા અગાઉ કરેલા નિર્ણયોના અમલીકરણ વિશેની સમીક્ષા  તેમજ કોવિડના દર્દીઓના મૃત્યુઆંકને ઘટાડવા વિશેની કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતાં. મંત્રીઓ હોસ્પિટલની વ્યવસ્થાઓમાં આવશ્યક ફેરફારો અંગે સુચન કર્યું હતું. દાખલ દર્દીને માર્ગદૃશન આપવા અને હકારાત્મક વિચારો તરફ લઈ જવા માટે મંત્રીએ પેશન્ટ એટેન્ડન્ટ અને સાઈકિયાટ્રિસ્ટની વ્યવસ્થાઓ અને તેમની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં કલેક્ટર રવિશંકર, કમિશનર સતિશ પટેલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોષી, જામનગર જી.જી. હોસપિટલમાં ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારી, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જામનગર, દેવભૂમિ દ્વારા અને પોરબંદર જિલ્લાના કોરોનાના નોડલ ડો. એસ.એસ. ચેટર્જી, ડો. મનિષ મહેતા, ડો. વંદના ત્રિવેદી, ડો. સુમિત વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જીજી હોસ્પિટલમાં દર્દીની સેવા માટે ૨૪ કલાક દર્દી સહાયક મૂકાયા

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા- સુશ્રુષા માટે દર્દી સહાયકનો નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીની સેવા માટે ૨૪ કલાક દર્દી સહાયક મૂકવામાં આવ્યા છે.

કોરોનાગ્રસ્ત વૃધ્ધ દર્દી જ્યારે બાળક જેવું વર્તન કરી જીદ કરે મારે નથી જમવું, મારે દવા નથી ગળવી ત્યારે તેમને લાગણીઓ વડે રિઝવીને જમવાનું અને દવા આપવાનું કામ સિવિલ હોસ્પિટલમાં દર્દી સહાયક કરી રહ્યા છે. અમૂક કિસ્સાઓમાં કો-મોર્બિડ પરિસ્થિતિઓમાં સારવાર લાંબી ચાલે ત્યારે દર્દીને સ્વાસ્થ્ય સારવારની સાથે પરિવારજન જેવી કાળજી લઇ તેની માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે,દર્દીઓને કયાંય પણ એકલવાયું ન લાગે તે માટે જી.જી. હોસ્પિટલમાં દર્દી સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. કોરોના સંક્રમણને કારણે દર્દીના સગાનું દર્દી પાસે રહેવું મુશ્કેલ બની રહે ત્યારે આ દર્દી સહાયકો દર્દીઓની સાથે તેમની દરેક મુશ્કેલીઓમાં ખડેપગે હાજર રહીને મદદરૂપ બની રહ્યા છે.

૯૦ વર્ષીય લાડુબા દર્દી સહાયક દીકરીઓને આશીર્વાદ આપતા કહે છે કે, રાત્રી સમય દરમિયાન અડધી રાત્રે તરસ લાગી પાણીની જરૂરિયાત ઉભી થાય ત્યારે આ દીકરી પાણી પીવડાવે છે. ચાલીને શૌચાલય જવા સક્ષમ ન હોઇએ ત્યારે અમારી લાઠી બની શૌચાલય સુધી પહોંચાડે છે. મને ખુદને યાદ નથી કે કેટલા દિવસ થયા છે પણ આ દિકરીઓએ ઘરે ન થાય એવી સેવા હોસ્પિટલમાં કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.