Abtak Media Google News

ઘોઘામાં ૩ ઈંચ, ઉપલેટામાં અઢી, ધ્રાંગધ્રા, કાલાવડ, માણાવદરમાં ૨ ઈંચ: રાજયનાં ૧૬૯ તાલુકાઓમાં વરસાદ: સૌરાષ્ટ્રમાં સવારથી અનેક તાલુકાઓમાં વરસાદ

શ્રાવણનાં અંતિમ દિવસોમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શ‚ થયો છે. બુધવારે રાજયનાં ૧૬૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. કચ્છ પર મેઘો મહેરબાન થયો હોય તેમ ભુજમાં સાંબેલાધારે ૭ ઈંચ વરસાદ ખાબકયો હતો તો ભચાઉમાં પણ ૩ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, ભાવનગર સહિતનાં જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બન્યું છે જેની અસર આગામી ૩ થી ૪ દિવસમાં વર્તાશે જેની અસરતળે રાજયમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શ‚ થાય તેવી શકયતા જણાઈ રહી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૩૨ જિલ્લાનાં ૧૬૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ સાથે રાજયમાં આજસુધીમાં ચોમાસાની સીઝનનો ૯૪.૮૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છનાં ભુજમાં ૭ ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત ભચાઉમાં ૩ ઈંચ, અંજારમાં સવા ઈંચ, લખપત, મુંદરા, નખત્રાણામાં ૧ ઈંચ, રાપર અને અબડાસામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ચોટીલામાં ૧૩ મીમી, ચુડામાં ૩૬ મીમી, ધ્રાંગધ્રામાં ૫૩ મીમી, લખતરમાં ૨૦ મીમી, લીમડીમાં ૩૨ મીમી, મુડીમાં ૧૭ મીમી, સાયલામાં ૧૨ મીમી, થાનગઢમાં ૫ મીમી, વઢવાણમાં ૨૬ મીમી, રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં ૨૭ મીમી, જસદણમાં ૭ મીમી, પડધરીમાં ૬ મીમી, રાજકોટ શહેરમાં ૧૭ મીમી, ઉપલેટામાં ૬૦ મીમી, મોરબીનાં હળવદમાં ૨૬ મીમી, મોરબી શહેરમાં ૭ મીમી, જામનગરનાં ઝાલાવડમાં ૫૪ મીમી, જામનગર શહેરમાં ૩૦ મીમી, જુનાગઢ જિલ્લાનાં માણાવદરમાં ૪૨ મીમી, કેશોદમાં ૧૬ મીમી, જુનાગઢમાં ૧૩ મીમી, ગીર-સોમનાથનાં તાલાલામાં ૩૫ મીમી, કોડીનારમાં ૧૨ મીમી, અમરેલી જિલ્લાનાં લાઠીમાં ૨૩ મીમી, બાબરામાં ૧૨ મીમી, સાવરકુંડલામાં ૧૨ મીમી, ભાવનગર જિલ્લાનાં ઘોઘામાં ૭૨ મીમી, જેસરમાં ૧૫ મીમી, તળાજામાં ૯ મીમી, સિંહોરમાં ૧૦ મીમી, ગારીયાધારમાં ૯ મીમી જયારે બોટાદનાં ગઢડામાં ૨૧ મીમી વરસાદ પડયો હતો.

ઉતર ગુજરાતમાં પણ મેઘરાજાએ બુધવારે હેત વરસાવ્યું હતું જેમાં પાટણનાં હારીજમાં સાડા ચાર ઈંચ, સામીમાં અઢી ઈંચ, ચાણસમાં ૨ ઈંચ, બનાસકાંઠાનાં ધનેરામાં સવા ઈંચ, મહેસાણાનાં બેચરાજીમાં ૨ ઈંચ, જોટાણામાં દોઢ ઈંચ, કડી, મહેસાણામાં ૧ ઈંચ, સાબરકાંઠાનાં ખેડબ્રહ્મામાં ૧ ઈંચ, વિજયનગરમાં ૧ ઈંચ, ગાંધીનગરનાં દેહગામમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. પૂર્વ-મધ્ય ગુજરાતમાં દેત્રોજમાં ૨ ઈંચ, ધોળકામાં અઢી ઈંચ, દસક્રોઈમાં ૧ ઈંચ, પંચમહાલનાં શહેરામાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાથી લઈ દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો છે. આજસુધીમાં રાજયમાં મોસમનો કુલ ૯૪.૮૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છમાં ૧૧૨.૩૨ ટકા, ઉતર ગુજરાતમાં ૭૫.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૪.૦૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૧.૫૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૭.૭૪ ટકા જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારથી સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, ભાવનગર, કચ્છ, જુનાગઢ સહિતનાં જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડામાં સવારે ૨ કલાકમાં પોણો ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.