Abtak Media Google News

સોમવારે મ્યુનિસિપલ કમિશનરના બંગલે, મંગળવારે મેયરના બંગલે અને બુધવારે મુખ્યમંત્રીના બંગલા સામે ધરણા માટે માંગી મંજુરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા અઢી દાયકાથી સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી ન હોય વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા એક સપ્તાહથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે આવતા સપ્તાહથી વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. આવતા સપ્તાહે મુખ્યમંત્રી, મેયર અને મ્યુનિસિપલ કમિશનરના બંગલાની સામે ધરણા કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન આજે સફાઈ કામદારો દ્વારા ત્રિકોણબાગ ખાતે હવન યોજવામાં આવ્યો હતો.

રાજકોટ બરો મ્યુનિસિપાલટી સ્વીપર યુનિયન દ્વારા ધરણા માટે મંજુરી માંગવામાં આવી છે. જેમાં આગામી સોમવારે સવારે ૧૧ થી ૧૨ કલાક દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના બંગલાની સામે, તા.૧૯ને મંગળવારના રોજ મેયર બીનાબેન આચાર્યના બંગલાની સામે તથા તા.૨૦ને બુધવારના રોજ સવારે ૧૧ થી ૧૨ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના બંગલાની સામે ધરણા યોજવાની મંજુરી માંગવામાં આવી છે. આજે સવારે સફાઈ કામદારો દ્વારા શહેરના ત્રિકોણબાગ ખાતે મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવા આશ્રય સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.