Abtak Media Google News

ઝનાના હોસ્પિટલ અને બસ સ્ટેશનની મુલાકાત લેશે: સ્વિમિંગ ચેમ્પિયનશીપના સમાપનમાં, ફૂટબોલ ચેલેન્જ કપના કાર્યક્રમમાં તથા શહેર ભાજપના કાર્યક્રમમાં આપશે હાજરી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલે રાજકોટની મુલાકાતે આવનાર છે ત્યારે તેમની અધ્યક્ષતામાં અનેકવિધ કાર્યકર્મો યોજાનાર છે. તેઓ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. વિજયભાઇ રૂપાણી સવારે ૧૧ કલાકે ગોંડલ ખાતે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા નવનિર્મિત અદ્યતન ટાઉનહોલ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે. નગરપાલિકા દ્વારા રૂા.૫૨૯.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન ટાઉનહોલમાં ૫૪૪ સીટો અને પ્રોજેકટર સ્ક્રીન, સેન્ટ્રલ એ.સી., ફાયરસેફટી, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટ સિસ્ટમ, પાર્કિંગ, તેમજ લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં મીટીંગ, સેમીનાર, સામાજીક પ્રસંગો તથા મનોરંજન માટે અને મ્યુઝિક ઓરક્રેસ્ટ્રા, નાટકનું આયોજન થઇ શકે તેવો સૌરાષ્ટ્ર-કચ્છના તાલુકા લેવલે અગ્રિમ સ્થાન ધરાવતો અતિ આધુનીક ટાઉનહોલ છે.

મુખ્યમંત્રી રૂપાણી બપોરે ૦૩-૪૫ કલાકે રૂ. ૯૨ કરોડના ખર્ચે નવનિર્મિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય, સિવીલ હોસ્પિટલ રાજકોટના પ્રસૂતિ બાળ આરોગ્ય બ્લોકની નિરીક્ષણ અર્થે મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે ૦૪-૩૦ કલાકે રૂા.૪૫.૨૩ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ નવા આઇકોનીક બસ ટર્મિનલ તથા અદ્યતન ડેપો/વર્કશોપની મુલકાત લેશે. ત્યારબાદ સાંજે ૦૬-૦૦ કલાકે મુખ્યમંત્રીશ્રી રૂપાણી રાજકોટના કોઠારિયા રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે ચાલી રહેલી રાષ્ટ્રીય કક્ષાની જૂનિયર અને સબ જુનિયર તરણ સ્પર્ધાની ક્લોઝીંગ સેરેમનીમાં હાજરી આપશે ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી ફુટબોલ ચેલેન્જ કપ પ્રોગ્રામમાં ફુટબોલ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.

કાર્યક્રમ પૂર્ણ થયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાંજે ૦૬-૩૦ કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત દિક્ષા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ સમી સાંજે ૦૭-૩૦ કલાકે અમૃતસાગર પાર્ટીપ્લોટ,૧૫૦ ફુટ રિંગરોડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર જવા રવાના રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.