Abtak Media Google News

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સતત ત્રીજા વર્ષે વડોદરા મેરેથોન ને પ્રસ્થાન કરાવ્યું હતું.તેમણે જણાવ્યું કે આ દોડના ભાગરૂપે હજારો વડોદરવાસીઓ સેવા,સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે દોડે છે જેનાથી સહુનો સાથ, સહુનો વિકાસનો મંત્ર ચરિતાર્થ થાય છે.આ દોડનું આયોજન મહિલા શક્તિની સક્ષમતાની પ્રતીતિ કરાવે છે.

10 6

તેમણે સહુ સાથે મળીને ગુજરાતને દેશનું અને વડોદરાને ગુજરાતનું રોલ મોડેલ બનાવીએ એવો અનુરોધ કર્યો હતો અને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ખેલ રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે નવા વર્ષે યોજાતી વડોદરા મેરેથોન નવા ઉત્સાહ અને ઉમંગનું સિંચન કરે છે અને જુસ્સો વધારે છે. તેની સાથે આરોગ્યની જાળવણી માટે દોડ જેવા વ્યાયામો અપનાવવાની પ્રેરણા આપે છે.

3030 3

મેરેથોન માટે આખું વડોદરા સાથે મળીને દોડે છે.આમ આ દોડ વડોદરાને જોડે છે. તેજલબહેન, સાંસદ રંજનબહેન અને મેયર ડો.જીગીશાબહેન, આ બહેનો આખા વડોદરાને દોડાવે છે એનો મને આનંદ છે.તેમણે જણાવ્યું કે સફળતા માટે સહિયારા પ્રયાસોને ઉત્તેજન આપતું આ આયોજન વડોદરાના વિકાસને પણ વેગ આપશે.

5050 1

આજની વડોદરા મેરેથોનમાં દોડવા માટે 1લાખ થી વધુ દોડવીરોએ નોંધણી કરાવી હતી જેમાં 250 દિવ્યાંગોનો સમાવેશ થતો હતો.વિદેશવાસી ભારતીયો(એનઆરઆઈ), દેશના 16 રાજ્યો અને ગુજરાતના વિવિધ શહેરોના દોડવીરોએ ભાગ લીધો હતો. મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ એ 10 km રનમાં દોડીને પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મેરેથોન પ્રસ્થાન મંચ પર ઉપસ્થિત સંત સમુદાયનું મુખ્યમંત્રી શ્રીએ આદરપૂર્વક અભિવાદન કર્યું હતું અને સંતોએ પણ તેમનું અશિષભાવ સાથે સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ટોર્ચ ઓફ સેવા દોડને પણ પ્રસ્થાન કરાવ્યું હતું જેની આગેવાની લોર્ડ ભીખુ પારેખ સહિત પદ્મ પુરસ્કાર વિજેતાઓ એ લીધી હતી. ઓમાની ગાયક હેતમ મહંમદ રફીએ બાપુને પ્રિય નરસિંહ રચના વૈષ્ણવજનનું ગાન કરીને સહુને ભાવભિભૂત કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગ દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે દિવ્યાંગ દોસ્ત એપ્લિકેશનનું વિમોચન કર્યું હતું.

20 2

 મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વડોદરા મેરેથોનને મોડેલ તરીકે અપનાવીને દેશના અન્ય રાજ્યો અને શહેરોએ મેરેથોન દોડ યોજવાની પરંપરા શરૂ કરી છે. આ આયોજન હવે ખેલ ઉત્સવ બની ગયું છે. તેમણે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને લીધે એવોર્ડ વિજેતા ખેલાડીઓના ઘડતરમાં મળેલી સફળતાની વિગતો આપી હતી.

આ પ્રસંગે સાંસદ રંજનબહેન, મેયર જીગીશાબહેન, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ, યોગેશભાઈ, સીમાબહેન, કેતનભાઈ, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર અમિત ઠાકર,વિવિધ ધર્મો સંપ્રદાયોના સંતો, શ્રીમતી તેજલ અમીન અને સમીર ખેરા સહિત વડોદરા મેરેથોન અને સહયોગી સંસ્થાઓના પદાધિકારીઓ, વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગર સેવકો,મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત, કલેક્ટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઝવેરી અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
15 વર્ષની ઉંમરના રોનીત જોશીએ આંખે પાટા બાંધીને 5km સ્કેટિંગ કર્યું હતું. વડોદરાને ગૌરવ અપાવનારા યુવા ખગોળશાસ્ત્રી ડૉ. કરણ જાનીએ મેરેથોનના મંચ પર મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રીશ્રીએ ખગોળ સંશોધનના ક્ષેત્રમાં તેમની કામગીરીને પ્રેરણાપ્રદ ગણાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.