Abtak Media Google News

ગ્રામ્યમાં સરપંચો દ્વારા વિવિધ યોજનાઓ સાકાર થતી હોય ત્યારે સરપંચ સંગઠનની મુખ્યમંત્રીને સમય ફાળવી ચર્ચા કરવા લેખીત રજુઆત: મુખ્યમંત્રીનો હકારાત્મક પ્રતિસાદ

કૃષિ પ્રધાન ભારત દેશમાં સૌથી વધુ કૃષિ ઉત્પાદન કરતા આપણા ગુજરાતમાં મોટા ભાગની ખેતી અને ગ્રામ્ય વિકાસમાં અગત્યની ભુમિકા ભજવતા ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ સાકાર થતી હોય છે.

પરંતુ થોડા વર્ષોથી સરપંચોની અમુક મુશ્કેલીઓ અને અધિકારીઓની તુમારશાહીથી ગ્રામ્ય સરપંચો અનેક મુશ્કેલીઓ સહન કરી સરકારી યોજનાઓ સાકાર કરવા તન અને મનથી સહકાર આપે છે.

આવી મુશ્કેલીઓ નિવારવા ગુજરાત સરપંચ સંગઠન મુખ્યમંત્રી સાથે બેસી ચર્ચા વિચારણા દ્વારા સુમેળથી કામગીરી કરી શકાય તે હેતુથી રાજકોટ, બનાસકાંઠા, દાહોદ, અમરેલી, મહેસાણા, ગોધરા, જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, છોટા ઉદેપુર, અને દેવભૂમિ દ્વારકા ના જીલ્લા પ્રમુખો સાથે પ્રદેશ સંગઠનના આગેવાનો મળી ૧પ થી ર૦ મુખ્ય પ્રતિનિધિઓ મુખ્યમંત્રીને રુબરુ મળી શાંતિથી વાતચીત કરવા માંગે છે. ત્યારે આ અંગે સરપંચ સંગઠનને નિખાલસ ચર્ચા કરવા વહેલાસર સમય આપવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખીત રજુઆત કરતા હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. રાજયના સરપંચોની મુખ્ય માંગણીઓ જેવી કે સરપંચની જાહેર સેવકનું ઓખળ પત્ર આપવું, સરપંચને ટોલટેકસમાંથી મુકિત આપવી, સરપંચને લોકપ્રતિનિધિ અધિનિયમમાં સમાવેશ કરવો, ગ્રામ પંચાયતોમાં પંચાયત ઓફીસ, લાઇટ, પાણી,પટાવાળાઅને શૌચાલયની સુવિધા પુરી પાડવી., ગ્રામ પંચાયતનું લાઇટ બીલ સરકાર માફ કરે અથવા અલગથી ગ્રાંટ ફાળવણી કરવી, સરપંચોના અધિકારમાંથી જે કામ તલાટી મંત્રીને આપેલા તે અધિકાર પાછા આપવા, જીલ્લા કે તાલુકા કક્ષાએ સી.એમ. કે પી.એમ. અને રાષ્ટ્રીય નેતાની સભા કે મીટીંગમાં સરપંચો  માટે આગળના ભાગે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવે, ગ્રામ પંચાયતના સભ્યો સરપંચને સુપરસીડ ન કરી શકે તે માટે પહેલાની જેમ ગ્રામ સભામાં નિર્ણયો લેવામાં આવે જે માટે પંચાયત ધારામાં ફેરફાર કરવો, સરપંચોને માસીક રૂ ૨૫ હજાર વેતન આપવું અને તેની જોગવાઇ આગામી બજેટમાં કરવી વગેરે મુખ્ય માંગણી છે.

ઉપરકોત મુદા અન્વયે રાજયભરના ૧૮૫૦૦ સરપંચો હાલ અનેક મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. જેના ઉકેલ માટે અને કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ સંપૂર્ણ સફળ કરવા ઉપરોકત મુદ્દાઓને તાત્કાલીક અમલવારી કરાવવા તેમજ સંસદસભ્ય, ધારાસભ્ય અને ગ્રામ પંચાયતના સરપંચો લોકોના મતદાનથી સીધા પાંચ વર્ષની મુદત માટે ચુંટાય છે. તો સંસદસભ્ય, ધારાસભ્યની જેમ ભારતીય બંધારણની કલમ ૧૪ અને કલમ ૪૪ પ્રમાણે સરપંચને જનપ્રતિનિધિ તરીકે જાહેર સેવક ગણવા અને લોક પ્રતિનિધિ અધિનિયમમાં સમાવવાની પણ સરપંચ સંગઠનની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.