Abtak Media Google News

પર્યાવરણને અનુકુળ અને સસ્તા પરિવહનથી વ્યવસાય કરવામાં સરળતાને ધ્યાને રાખી પ્રોત્સાહન આપવા નિર્ણય કરાયો: મનસુખ માંડવિયા

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારીનાં કારણે અનેકવિધ હાલાકીઓનો સામનો વિશ્વનાં તમામ દેશ કરી રહ્યા છે. ચાઈનાએ સમગ્ર વિશ્વમાં સસ્તી પ્રોડકટ આપવા માટે પ્રચલિત છે પરંતુ આ મહામારીને કારણે ચાઈનાએ વિશ્વમાંથી વિશ્ર્વસનીયતા ગુમાવી છે તેવા સંજોગોમાં ભારત એ ચાઈનાનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ બની શકે તેવા સંજોગો ઉભા થયા છે. આ સંજોગોને ઝડપી લેવા કેન્દ્ર સરકારે અનેકવિધ પ્રોત્સાહનો આપવાની શરૂઆત કરી છે. ભારતીય ઉધોગો વિશ્વ ફલકે  નામના મેળવે તે હેતુસર કેન્દ્રીય નાણામંત્રાલયે રૂા.૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે તે ઉપરાંત તમામ પ્રોડકટ સરળતાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી શકે તે અર્થે હવે જહાજ મંત્રાલય દ્વારા અંતર્દેશીય જળ પરીવહનને પ્રોત્સાહન આપવા જળમાર્ગ વપરાશ શૂલ્ક માફ કર્યા છે જેથી હવે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.

હાલ મોટાભાગનું આંતરરાષ્ટ્રીય પરીવહન હવાઈ માર્ગ અથવા તો માર્ગ પરીવહન દ્વારા થાય છે જેનો ખર્ચ ખુબ મોટો થતો હોય છે જેના પરીણામે કોઈપણ પ્રોડકટની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે પરંતુ જળ પરીવહનનાં માધ્યમથી આ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે જેને ધ્યાને રાખી જહાજ મંત્રાલયે અંતરર્દેશીય જળપરીવહનને પ્રોત્સાહન આપવા જળ માર્ગ વપરાશ શુલ્ક માફ કર્યા છે જેના પરીણામે ટુંકા સમયગાળામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટી શકે અને ઉધોગ સાહસિકોને તેનો લાભ મળી શકે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે. કેન્દ્રીય જહાજ રાજયમંત્રી મનસુખ માંડવીયાએ ત્વરીત અસરથી શરૂઆતી ત્રણ વર્ષ માટે આ નિર્ણય લઈ ઉધોગ સાહસિકોને અમુલ્ય ભેટ પ્રદાન કરી છે.

જહાજ મંત્રાલયે ભારત સરકારના અંતર્દેશીય જળમાર્ગને પૂરક,પર્યાવરણને અનુકુળ અને સસ્તા પરિવહનના માધ્યમ તરીકે પ્રોત્સાહિત કરવાના દ્રષ્ટિકોણ ને ધ્યાનમાં રાખીને ત્વરિત અસરથી જળમાર્ગ વપરાશ શુલ્ક માફ કરવાનો નિર્ણય કર્યો છે. શરૂમાં ત્રણ વર્ષ માટે આ શુલ્ક માફ કરવામાં આવ્યા છે.  કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે,હાલમાં કુલ કાર્ગો ટ્રાફિકના માત્ર ૨% નુંજ પરિવહન જળમાર્ગથી થાય છે. જળમાર્ગના શુલ્કને માફ કરવાનો નિર્ણય ઉદ્યોગોને તેમની લોજિસ્ટિક જરૂરિયાતો માટે રાષ્ટ્રીય જળમાર્ગનો ઉપયોગ કરવા આકર્ષિત કરશે. પરિવહનનું આ માધ્યમ પર્યાવરણને અનુકુળ અને સસ્તું હોવાથી તે અન્ય પરિવહન માધ્યમો પરનો ભાર તો ઘટાડશે જ, સાથોસાથ ધંધામાં સરળતાને પણ પ્રોત્સાહન આપશે. જહાજો દ્વારા તમામ રાષ્ટ્રીય જળમાર્ગોના ઉપયોગ પર પાણીનો વપરાશ શુલ્ક લાગુ હતો. ટ્રાફિકના સંચાલનમાં અને ટ્રાફિક ડેટાના સંગ્રહમાં તે અવરોધ ઊભો કરતો હતો.

હાલમાં ભારતીય અંતર્દેશીય જળમાર્ગ સત્તા (આઈ ડબલ્યુ એઆઈ) અંતર્દેશીય કાર્ગો વહાણોને ચલાવવા માટે પ્રતિ કિલોમીટરે પ્રતિ કુલ રજીસ્ટર્ડ ટન (જીઆર ટી) દીઠ રૂ.૦.૦૨ના દરે અને રાષ્ટ્રીય જળમાર્ગો પર ક્રુઝ જહાજોને ચલાવવા માટે પ્રતિ કિલોમીટરે પ્રતિ કુલ રજીસ્ટર્ડ ટન (જીઆરટી)દીઠ રૂ.૦.૦૫ના દરે જળમાર્ગ વપરાશ શુલ્ક વસૂલ કરે છે. આ નિર્ણયથી અંતર્દેશીય જળમાર્ગ પર ટ્રાફિક ૨૦૧૯-૨૦ના ૭૨ એમએમટીથી વધીને ૨૦૨૨-૨૩માં ૧૧૦ એમ એમટી થવાનો અંદાજ છે. તેનાથી આ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.