Abtak Media Google News

કર્મચારીનું અચાનક અવસાન થતાં નોંધારા પરિવાર માટે પળવારમાં ૬.૫૦ લાખનો ફાળો એકત્રિત કરતા મોરબીના સિરામિક ઉધોગકારો

વૈષ્ણવજન તો તેને…રે.. કહીએ જે પીડ પરાઈ જાણે…રે.. ભક્ત કવિ નરસી મહેતાની ઉક્તિને મોરબી સિરામિક એસોશિએશનને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી એક કર્મચારીના નિધન બાદ નિઃસહાય વિધવા સ્ત્રીને તકલીફ ન પડે તે હેતુથી કલાકોના સમયગાળામાં જ રૂપિયા ૬.૫ લાખનો ફાળો એકત્રિત કરી આ રકમમાંથી નિરાધાર બહેનને કાયમી આવક થાય તેવી વ્યવસ્થા ગોઠવી આપી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

આ કરુણ ઘટનાની વિગત જોઈએ તો મોરબી સિરામીક એસોસિએશનની ઓફીસમા નોકરી કરતા વાસુદેવભાઇ સંઘાણીનું શનિવારે સાંજે દુઃખદ અવસાન થયેલ હતું આ પહેલા તેમના પરીવારમાં પિતાનું પણ એક મહીના પહેલા જ કેન્સરની બીમારીના કારણે મૃત્યુ થયેલ હોય તેમના પરીવારમા કોઇ સંતાન કે માતાપિતા કે ભાઇ કે અન્ય કોઇ ના હોઇ તેમના ધર્મપત્ની ને લાચારી થી જીવવું ના પડે તે માટે મોરબી સિરામીક એસોસિએશન દ્વારા ઉધોગકારોને એશોસીએસન વતી સહયોગ માટે સ્વૈચ્છિક દાન માટે અપીલ કરવામાં આવી હતી.

એક જ ટહેલમાં મોરબી સિરામિક એસોસિએશનના કર્મચારી વાસુદેવભાઈના પત્નીને જીવનપર્યન્ત પગભર કરી દેવાયા

સિરામિક એસોસિએશનની માનવતાવાદી અપીલને પગલે જોત જોતામાં ઉદ્યોગકારોએ ઉદારહાથે  ૬.૫૦ લાખ થી વધુ ફાળો નોંધાવ્યો હતો અને હજુ પણ અવિરત અનુદાન ચાલુ રહ્યું છે.

મોરબીના ઉધોગકારો હરહમેશ લોકોની ચિન્તા કરતા રહે છે આ અગાઉ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનોને એસોસિએશન દ્વારા મોટી રકમની સહાય આપવામાં આવી હતી ત્યારે  સદ્દગત વાસુદેવભાઈના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે સૌ ઉદ્યોગકારોએ સાથે મળી એક અબળા નારીને જીવનપ્રયન્ત ક્યાંય હાથ લંબાવવો ન પડે તેવી વ્યવસ્થા ગોઠવી આજના કળયુગમાં પણ માનવતા અડીખમ હોવાનો સંદેશ આપ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.