Abtak Media Google News

નર્મદા જિલ્લાના તિલકવાડાથી દક્ષિણ ગુજરાતને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી

બીજા તબક્કા હેઠળ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ૪૫૪ ગામાના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજના રાજ્યના ખેડૂતો માટે વિકાસનું તિલક બનનારી યોજના છે એવો સ્પષ્ટ મત નર્મદા જિલ્લાના તિલકવાડાથી આ યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરાવતાં વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ૪પ૪ ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરાવી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રથમ તબક્કો ઓકટોબર-માસમાં પ્રધાનમંત્રીના કરકમળથી શરૂ કરાવી ૧૦પપ ગામોને આવરી લીધા છે. હવે બીજા તબક્કામાં રાજ્યના ૪૦૦૦ ગામોને કિસાન સૂર્યોદય યોજનામાં સમાવી લેવા સાથે ર૦રરના અંત સુધીમાં રાજ્યના તમામ ગામોને યોજનાથી દિવસે વીજળી આપવા સાંકળી લેવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી. નર્મદાના તિલકવાડા તાલુકાના ૩૯ ગામોના ખેડૂતોને સિંચાઇ માટે હવે દિવસે વીજળી મળતા કિસાન પરિવારોમાં સમૃદ્ધિનો સૂરજ ઉગશે. રાજ્યના તમામ ખેડૂતોની સુખાકારી માટે દિવસે કામ અને રાત્રે વિશ્રામની ભાવનાથી કિસાનોનો સંપૂર્ણ સૂર્યોદય અને સર્વોદય થશે, તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લામાં રૂ.૧૫૨ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વિવિધ ચાર જેટલી જૂથ પાણી પુરવઠા યોજનાઓનું પણ ઈ-ખાતમૂહુર્ત કરી નર્મદા જિલ્લામાં ઘરે ઘરે નલ સે જલ થકી પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડવાની સંકલ્પબદ્ધતા દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ કિસાન સૂર્યોદય યોજના રાજ્યના લાખો ખેડૂતો માટે ઐતિહાસિક વીજક્રાંતિના મંડાણ છે એમ જણાવતાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવાનો નવીન અભિગમ અપનાવ્યો છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાના પડકારરૂપ કાર્યને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે જરૂરી માળખાકીય નેટવર્ક ઉભુ કરવા માટે આગામી ત્રણ વર્ષ માટે રૂા.૩૫૦૦ કરોડની જોગવાઇ પણ સુનિશ્ચિત કરી છે. ઉન્નત ખેતી અને સ્વચ્છ પાણી થકી કિસાનોની સાથોસાથ આમ નાગરિકો માટે વિકાસની નવી રાહ કંડારી છે એવી ભાવના વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં રાતના ઉજાગરા, વન્ય જીવજંતુ કરડવાના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમી મુક્તિ મળી છે. હવે ખેડૂતોને ૮ કલાક દિવસે વીજપુરવઠો મળશે અને રાત્રે ઘરે પરિવાર સાથે સુખરૂપ સમય વિતાવવાથી પરિવારભાવના સુદ્રઢ થશે. તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ ભૂતકાળના વિકટ દિવસોની દર્દનાક સ્થિતી વર્ણવતા કહ્યું કે ભૂતકાળની કોંગ્રેસ સરકારનાં કાર્યકાળમાં લંગડી વિજળીનાં દિવસો જોયા છે, ખેડૂતોના ખેતરમાં જ નહિ, ઘરોમાં પણ વિજળી મળવી દોહ્યલી હતી, જ્યારે આજે ભાજપા સરકારે રાજ્યમાં ૨૪ કલાક વિજળી અને હવે કિસાનોને દિવસે વિજળી આપીને ઘરેલું અને કૃષિ વિજ સુવિધા માટે સર્વાંગી બદલાવ માટે કમર કસી છે.

મુખ્યમંત્રએ કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના, સાત પગલા ખેડૂત કલ્યાણનાં જેવી અનેક યોજનામાં રાજ્યની શ્રેષ્ઠ કામગીરીનો ઉલ્લેખ કરી ખેતી સમૃધ્ધ તો ગામ સમૃધ્ધ, ગામ સમૃધ્ધ તો શહેર, રાજ્ય અને દેશ સમૃધ્ધ બનશે એવો મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રૂ.૫૨૦  કરોડના ખર્ચે ૧૧ નવા ૨૨૦ કે.વી. સબસ્ટેશન, રૂ.૨૪૪૪.૯૪ કરોડના ખર્ચે ૨૫૪  નવી ૨૨૦ / ૧૩૨/ ૬૬  કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે એમ જણાવી કિસાનો માટેની સંવેદના સાથે આગામી સમયમાં પણ ખેડૂતોનાં જીવનમાં સમૃદ્ધિની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.