Abtak Media Google News

વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં મવડી વિસ્તારના બિલ્ડરો અને નાના પ્લોટ ધારકોએ આપ્યું મ્યુનિ.કમિશનરને આવેદન

રાજય સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નવા જીડીસીઆરના કારણે નાના પ્લોટમાં મકાન બનાવવું મુશ્કેલ બની ગયું છે. મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે નવા જીડીસીઆરમાં સુધારો કરવા માટે આજે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની આગેવાનીમાં આજે મવડી વિસ્તારના બિલ્ડરો અને નાના પ્લોટ ધારકોએ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને આવેદનપત્ર આપ્યું હતું.

તેઓએ જીડીસીઆરમાં કેટલાક સુધારો પણ સુચવ્યા છે. જેમાં ૧૫૦ ચો.મી. સુધીના કોઈપણ પ્લોટમાં માર્જીન ૨.૨૫ મીટર દર્શાવે છે. પ્લોટ મોટા ફ્રન્ટ અને ઓછી ઉંડાઈવાળા હોય તો ખુબ જ તકલીફ પડે છે. પ્લોટમાં જો બે રોડ હોય તો બંને રોડ સાઈડ માર્જીન ફરજીયાત મુકવાનું થાય તો ૨ને બદલે ૩ માર્જીન થઈ જાય છે. ૩૦૦ ચો.મી.થી વધારે અને ૫૦૦ ચો.મી.થી ઓછા કોઈપણ પ્લોટમાં રોડની સાઈઝ મુજબ ફન્ટ માર્જીન તથા બેક માર્જીન અને બંને સાઈટનું માર્જીન મુકવાનું થતું હોવાથી બાંધકામ માટે કોઈ જ જગ્યા વધતી નથી. આવી અનેક વિસંગતતાઓ હોય છે.

આટલું જ નહીં મંજુરી પ્રાપ્ત અને યુઝ ઈન માર્જીન માટે પણ ઘણી વિસંગતતાઓ રહેલી છે. જેના કારણે નાના પ્લોટ ધારકો મકાન બનાવી શકતા નથી અને બનાવે તો ખુબ જ મોઘું પડે છે ત્યારે તમામ કિસ્સાને ધ્યાનમાં રાખી નવા જીડીસીઆરમાં સુધારો કરવા મ્યુનિ.કમિશનરને રજુઆત કરવામાં આવી છે. આ તકે કોંગી કોર્પોરેટર વિજય વાંક, ઘનશ્યામસિંહ જાડેજા, સંજય અજુડીયા સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.