Abtak Media Google News

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર  માનતા પદાધિકારીઓ

મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમાર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ગુજરાત સરકાર દ્વારા ૧૨૨૪૧ કરોડની પુરાંતવાળું કોઈ જાતના નવા કરબોજ વગરનું લેખાનુંદાન પ્રજાલક્ષી બજેટ રજુ કરવામાં આવેલ છે. આ બજેટમાં રાજકોટ શહેરના વિકાસ માટે તેમજ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે બ્રિજ માટે જોગવાઈ કરવામાં આવેલ છે. જે બદલ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાણામંત્રી નીતિનભાઈ પટેલનો પદાધિકારીઓએ આભાર વ્યકત કરેલ છે.

રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગને આરોગ્યની સેવા મળી રહે તેવા હેતુથી મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ હેઠળ સારવાર માટે રૂ.૩ લાખની મર્યાદાનો વધારો કરી, રૂ.૫ લાખ કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજનામાં પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી રહેલ છે, હેલ્થ પોલીસી અંતર્ગત નવી ૩ મેડીકલ કોલેજો શરૂ કરવામાં આવશે. તેમજ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના મેડીસિટી કેમ્પસમાં નવનિર્મિત ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, ડેન્ટલ અને કીડની હોસ્પિટલ, યુ.એન.કાર્ડીયાક હોસ્પિટલ કાર્યરત થશે. તેમજ કેદ્ર સરકારે રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે.

તે આરોગ્યક્ષેત્રે સીમાચિહ્ન બની રહેશે. રાજ્યની વિધવાઓને મહિને રૂ.૧૦૦૦ ને બદલે ૧૨૫૦ પેન્શન આપવામાં આવશે તેમજ આંગણવાડી બહેનોના પગારમાં રૂ.૯૦૦ તથા તેડાગરના પગારમાં રૂ.૪૫૦ નો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત આશા ફેસીલીટેડ બહેનોના પગારમાં બે હજારનો વધારો, વૃદ્ધ પેન્શનમાં  ૫૦૦ થી વધારી ૭૫૦ વધારો કરાયો છે. તો વૃદ્ધાને મળતા પેન્શનમાં ૫૦%નો વધારો કરાયો. રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોની ટ્રાફિક સમસ્યા ધ્યાને લઇ ૮ નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે. ઝુંપડીમુક્ત રાજ્ય બનવાની યોજનામાં ૩.૮૭ લાખ આવાસ બનાવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્રે ૨૭૨૫૦ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે, નવા ૮ સમરસ છાત્રાલય બનાવામાં આવશે, મહાસતીજીઓના વિહાર માટે અમદાવાદથી શંખેશ્વર પગદંડી ૧૦ કિ.મી. ૨૦ કરોડના ખર્ચે બનાવામાં આવશે, તેમજ ઓર્ગેનિક યુનિવર્સીટી સ્થાપવામાં આવશે, ગુજરાતની આગવી ઓળખ સમાન સિંહના સંરક્ષણ માટે ૯૮ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.

રાજ્યમાં સુરક્ષાને ધ્યાને લઇ ૧૭૭૫ સ્થાનો પર ૭૪૬૩ સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવશે, સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત  નર્મદા નીરથી  ૨૨ જળાશયો, ૪૮ તળાવો ભરાયા છે, વધુ ૫૭ જળાશયોને જોડવાની જાહેરાત કરેલ છે જે આવકાર્ય છે. ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો ૫૦૦૦ મેગા વોટનો સોલાર પાર્ક બનાવવામાં આવશે. તેમજ રાજકોટ ખાતે અદ્યતન સુવિધાવાળું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ પણ વિકસાવવામાં આવશે અને રાજકોટને વધુ સારા એરપોર્ટની સુવિધા મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.