ભાઇની બેન રમે કે જમે? આજે પોષી પુનમ

આજે પોષ સુદ પૂનમ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો અવસર રક્ષાબંધન, ભાઇબીજની જેમ આજના આ લાવણ્યમયી દિવસનું પણ અનેરું મહત્વ છે. આજના દિવસે બહેન પોતાની ભાઇ માટે આખો દિવસ વ્રત કરે છે અને રાત્રે ચાંદામામાના અજવાળીયે અગાશીએ જઇને બાજરાના રોટલામાં પાડેલા કાણામાંથી ચાંદાના દર્શન કરીને પોતાનાના ભાઇને પૂછે છે ‘પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધી ખીચડી.. ભાઇની બેન રમે કે જમે?…’ ત્યારે ભાઇનો જો ચંચળતા ભર્યો જવાન ‘રમે’ હોય તો બહેન જાગરણ કરીને રમે છે. અને જો ભાઇ ‘જમે’ કહે તો બહેન ભર્યે ભાણે એકટાણુ કરે છે, અને પોતાના ભાઇ માટે પ્રાર્થના કરે છે. ધન્ય છે ભારતીય સંસ્કૃતિની આ વિશેષ પરંપરાઓ જેના થકી સંબંધોમાં નાનપણથી લાગણીના બીજ રોપવામાં આવે છે.

આજે પોષ પૂર્ણિમાને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આજના દિવસે સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. તેથી આજે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. પોષ પૂર્ણિમાએ સ્નાન સહિત આશરે દોઢ માસ ચાલનાર માધ મેળો પણ પ્રયાગરાજમાં શરૂ થઈ જાય છે. જેને કલ્પવાસ પણ કહે છે.

પોષ પૂર્ણિમા પર શું કરવું જોઈએ

આજે પોષી પૂનમમાં પવિત્ર દિવસે હરિદ્વાર અને પ્રયાગરાજમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. તેથી કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે.

જો જાતકની કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ નબળી હોય અને તેને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવો હોય તો આજે ચોખાનું દાન કરવું જોઈએ. આજના દિવસે લક્ષ્મીનારાયણની કથા સાંભળવાનું પણ વિશેષ મહત્વ છે. આજે શિવજીની પૂજા કરવાનાં લક્ષ્યને અત્યંત શુભ માનવામાં આવે છે.

પોષ પૂર્ણિમા પર શુ ન કરવું

આજે કેટલીક મર્યાદાઓ જાળવવાનું પણ શાસ્ત્રોમાં કહેવાયું છે જેમકે તામસિક ભોજન ન કરવું જોઈએ, લસણ, ડુંગળી, માંસ વગેરે, એ સિવાય બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પરિવારમાં કલેશ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ તથા ગરીબોને યથાશકિત દાન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.

આજે પૂનમ અને ગૂરૂવારનો સુભગ સમન્વય

આજે પૂર્ણિમા અને ગુરૂવારનો સમન્વય જોગાનુંજોગ આવ્યો છે. સાત વારમાં ‘ગુરૂવાર’નું અને તિથિમાં પૂનમને ઉતમ માનવામાં આવે છે. તે બંને આજે એક સાથે છે તેથી ‘ગુરૂપૂણ્ય’ યોગ સર્જાયો છે. આ યોગને ગુરૂ પૂણ્યયોગ, પ્રીતિ યોગ, શુભ યોગ અને સ્વાર્થ સિધ્ધિ અમૃતયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનાં દિવસે પૂર્ણિમા તિથિ આજે રાત્રે ૧૨.૩૨ મિનીટ સુધી રહેશે. ગુરૂવારે આજે બ્રહ્મમૂહૂર્તથી જ સ્નાનદાનનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતાનુસાર કહેવાયું છે કે પ્રયાગતીર્થમાં કલ્પવાસ કરનાર માટે સ્વર્ગનું દ્વાર ખૂલી જાય છે.

Loading...