મુંજકા ટીટોડીયા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં ભ્રષ્ટાચારની બૂ

૪૩૨ ક્વાર્ટરો જર્જરીત હાલતમાં, ગમે ત્યારે માનવ હોનારત થવાની દહેશત

ભારે વરસાદના પગલે કવાર્ટરમાં રહેતા લોકોની હાલત કફોડી: કોર્પોરેશન દ્વારા તત્કાલ યોગ્ય પગલાં ભરવા જરૂરી

રાજકોટ શહેરમાં ૮ ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક વિસ્તારોમા આવેલ જર્જરિત મકાનોની હાલત કફોડી બની છે ત્યારે રાજકોટના મુંજકા ટીટોડીયા શ્રમ કવાટર ખાતે એક મકાનની છત પડતા એક વ્યક્તિ ઇજાગ્રત થયો છે. કોર્પોરેશનના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પોહચી ૩ કવાટરને સીલ કરી દેવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં કુલ ૪૩૨ જેટલા કવાટર આવેલ છે મોટા ભાગના તમામ કવાટર અત્યારે જર્જરિત હાલતમાં છે. હાલમાં જ મુંજકાનો સમાવેશ કોર્પોરેશનની હદમાં કરવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાતા વાર નહીં લાગે.

ભૂકંપના સમયથી અમે વિનંતી કરી રહયા છીએ કોઈ અમારૂ સાંભળતું નથી: શાંતુભા ખાચર (રહેવાસી)

રહેવાસી શાંતુભા ખાચરે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાંડાની કમાણી કરીને અમે શ્રમિકો કામ કરી રહ્યા છીએ. અમારા તમામ મકાનો ડેમેજ છે. મકાન પડે ત્યારે તંત્ર દેખાય છે. અમારા વિસ્તારની કાઈ ગણત્રી જ થતી નથી. તમામ કવાટરની સીડીયો ડેમેજ છે ગમે ત્યારે પડી જશે. કોરોના મહામારીમાં સાધુઓએ અમને સહાય કરી છે. લોકડાઉનમાં કપરી સ્થિતિમાં કોઈ અહીં ડોકાયું નથી.

પહેલેથી જ નબળું બાંધકામ છે, અમારા જીવ  જોખમમાં: કિંજલ ગોરવાડીયા (રહેવાસી)

સ્થાનિક કિંજલબેને અબતક મીડિયા સાથવની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ચોમાસામાં ધોધમાર વરસાદ આવશેતો અમારા મકાનો પડી જશે. પહેલેથી જ સાવ નબળુ જ બાંધકામ થયું છે.ભેળસેળ વાળા નબળા મટીરીયલી આ બાંધકામ થયું હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશને ધ્યાન આપી તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ કરવું જોઈએ.

જર્જરિત મકાન પડતા અમારૂ મોત થશે તો જવાબદાર કોણ?  વિનોદભાઈ ગોરવાડીયા (રહેવાસી)

શ્રમ કવાટરમાં રહેતા વિનોદભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ૪૩૨ કવાટર છે તેમાંથી તમામ જર્જરિત છે. મારા મકાનની છત ગઈ કાલે પડી છે અમે માંડ બહાર નીકળી શક્યા છીએ. આસપાસના ૩ બ્લોક કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે.

આ વિસ્તારવાસીઓ પહેલેથી જ ત્રસ્ત, કોરોનામાં પણ કોઈ સહાય નહીં: ઉમાબા ખાચર (રહેવાસી)

સ્થાનિક ઉમાબા ખાચરે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન અનેક સમસ્યા નો સામનો અમારે કરવો પડી રહ્યો છે. આર્થિક સ્થિતિ અમારી ખરાબ છે કોઈ પણ સહાય તંત્ર દ્વારા અમને પોહચાડવામાં આવી નથી. એક તરફ વરસાદ છે તો બીજી તરફ કોરોના છે અમારે જવું ક્યાં?

લોકોએ તેમની વ્યવસ્થા જાતે જ કરવાની રહેશે: મેયર બિનાબેન આચાર્ય

મેયર બિનાબેન આચાર્યએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હાઉસિંગ બોર્ડના નીચે તમામ કવાટર આવેલ છે. ગઈકાલે એક મકાન ની છત પડી તે તાત્કાલિક કુલ ૩ બ્લોક ખાલી કરાવી સીલ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ એવું લાગશે તો ફરી સર્વે કરી લોકોમે સમજાવી ત્યાંથી બીજે મોકલી બિલ્ડીંગ સીલ કરી. જર્જરિત ભાગ દૂર કરી દેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા સમજાવવાની કામગીરી ચાલે છે અને એજ લોકો અત્યારે તેમના રહેવાની વ્યવસ્થા કરશે.

Loading...