શેરબજારમાં બ્લડબાથ: સેન્સેકસ ૧૦૦૦ પોઈન્ટ તુટ્યો

૪૭,૫૦૦ની સપાટી તોડી નીચે સરક્યો: નિફટી ૨૬૨ પોઈન્ટના કડાકા સાથે ૧૪૦૦૦ની અંદર

૫૦,૦૦૦ની પોઈન્ટની વિક્રમી સપાટીને અડક્યા બાદ સેન્સેકસમાં સતત કડાકા બોલી રહ્યાં છે. ગણતરીના દિવસો પહેલા જ સેન્સેકસ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર બોલેલા કડાકા અને આજની વેચવાલીના કારણે સેન્સેકસ ફરીથી ૪૮,૦૦૦ની સપાટી તોડી નીચે સરક્યો છે.

આ લખાય છે ત્યારે સેન્સેકસમાં ૯૧૫ પોઈન્ટનું ગાબડુ પડ્યું છે. સેન્સેકસ ૪૭૪૩૨ની સપાટીએ ટ્રેઈ થઈ રહ્યો છે. આજે બજાર ખુલતા જ સેન્સેકસ એકાએક ગગડવા લાગ્યો હતો અને ૪૭૫૦૦ની નીચે પહોંચી ગયો હતો.

બેન્કિંગ-ફાયનાન્સ, ઓઈલ અને ગેસ, કેમીકલ, ફાર્મા સહિતના સેકટરમાં શેરનું ભારે ધોવાણ થયું હતું. એક્સિસ બેંક, સનફાર્મા, ડોકટર રેડ્ડી લેબ, ટાઈટન, ઈન્ડુસીન્ડ, એશિયન પેઈન્ટ, બજાજ ફાયનાન્સ અને એચડીએફસી બેંક સહિતના શેર ૧.૧૧ ટકાથી લઈ ૪.૧૩ ટકા સુધી તૂટી ગયા હતા. આજે લો ૪૭૨૬૯નો નોંધાયો હતો જ્યારે આજનો હાઈ ૪૮૩૮૭નો છે. અલ્ટ્રાટેક સીમેન્ટ, એમ એન્ડ એમ, ટેક મહિન્દ્રા, આઈટીસી, એચસીએલ ટેક, એસબીઆઈ સહિતના શેર ૦.૬૨ ટકાથી લઈ ૧.૯૧ ટકાની વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. સતત સેન્સેકસમાં આવેલા કડાકાના કારણે રોકાણકારો મુંઝાયા છે. નિફટી-ફીફટીમાં પણ ભારે ધોવાણ થયું છે. આ લખાય છે ત્યારે નિફટી ૧૧૭ પોઈન્ટના કડાકા સાથે ૧૪૧૨૧ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં છેલ્લા ત્રણ ટ્રેડીંગ દિવસોથી નાના-મોટા કડાકા જોવા મળ્યા છે. ખાસ કરીને ૫૦૦૦૦ની સપાટીને અડક્યા બાદ સાયકોલોજીકલ સપાટી તૂટવાથી શેરબજાર ગગડ્યું છે. કેટલાક નિષ્ણાંતો આ કડાકાને કરેકશન પણ ગણી રહ્યાં છે. જો કે, લાંબા સમયથી બજારમાં તિવ્ર ઉતાર ચઢાવ જોવા મળ્યા બાદ રોકાણકારો સચેત થઈ ચૂક્યા છે.

છેલ્લા ઘણા સમયથી શેરબજાર ભારે વોલેટાઈલ છે. ઉતાર-ચઢાવના કારણે રોકાણકારો ફૂંકી-ફૂંકીને પગલા ભરી રહ્યાં છે. ૨૦૨૦માં આવેલા ઐતિહાસિક કડાકા બાદ સેન્સેકસ ફરી પાટે ચઢ્યું છે. વિદેશી મુડી રોકાણકારો, સ્થાનિક ક્ષેત્રે મજબૂત બજાર ઉદ્યોગોની સારી સ્થિતિ અને આઈએમએફ સહિતની સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલો વૃદ્ધિદરનો આશાવાદ સેન્સેકસને પોઝિટિવ અસર કરશે તેવો આશાવાદ છે.

Loading...