Abtak Media Google News

પાટીદાર અનામત આંદોલન, ઓબીસી અને દલિત ફેકટર, નોટબંધી અને જીએસટી જેવા મુદાઓ સાઈડમાં રહ્યા: સવર્ણ સમાજ પડખે રહેતા રાજયમાં છઠ્ઠીવાર બનશે ભાજપ સરકાર

દેશ અને દુનિયાભરની નજર જેના પર ટકેલી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સતા જાળવવામાં સફળ રહ્યું છે. પડકારોના પહાડ વચ્ચે ઈત્તર સમાજ ઢાલ બની ભાજપના પડખે ઉભો રહેતા રાજયમાં સતત છઠ્ઠીવાર કમળ ખીલ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે વર્ષ બાકી હતા ત્યારથી રાજયમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પાટીદાર સમાજે અનામતની માંગ સાથે રાજયભરમાં આંદોલન છેડયું હતું. આ આંદોલનને ખુબ જ સફળતા મળી હતી. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા હતા. પાટીદાર અનામત આંદોલનના ક્ધવીનર હાર્દિક પટેલ એક નેતા બનીને ગુજરાતમાં ઉભરી આવ્યો હતો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તે ભાજપને હરાવવા માટે તે રીતસર મેદાનમાં આવી ગયો હતો. તેની સભામાં લાખો લોકો ઉમટી પડતા હતા જે ભાજપ માટે સૌથી મોટો પડકાર માનવામાં આવ્યો હતો. બીજી તરફ ઓબીસી સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોરે પણ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો હતો અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાંધણપુર બેઠક પરથી ચૂંટણી લડયા હતા. જયારે દલિત સમાજમાંથી આવતા યુવા નેતા જીજ્ઞેશ મેવાણીના આંદોલનોએ પણ ભાજપની ઉંઘ હરામ કરી દીધી હતી. છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી સાથે સતા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન ઉપરાંત, ઓબીસી અને દલિત ફેકટર તો હતા જ બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ગત જુલાઈથી દેશમાં લાગુ કરવામાં આવેલા જીએસટીથી પણ વેપારી આલમમાં ભારોભાર નારાજગી જોવા મળતી હતી. નોટબંધીના કારણે ગુજરાતમાં અનેક ધંધાઓ રીતસર પડી ભાંગ્યા હતા. અનેક પડકારો વચ્ચે ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

ગુજરાતની ચૂંટણી ભાજપ માટે એટલા માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતી હતી કે ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અમિતભાઈ શાહનું હોમટાઉન છે. જો ગુજરાતમાં જ ભાજપ હારે તો દેશભરમાં તેની અસર પડે તે માટે કોઈપણ ભોગે આ ચૂંટણીમાં ભાજપે જીત મેળવવી જ‚રી હતી. નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં રાજયમાં પ્રથમ વખત મોટી ચૂંટણી યોજાઈ હતી. આવામાં જો કમળ કરમાઈ તો એક મેસેજ સ્પષ્ટ થઈ જાય કે નરેન્દ્ર મોદીને બાદ કરતા ભાજપમાં અન્ય કોઈ નેતાગીરી નથી. અનેક પડકારો વચ્ચે ભાજપે ગુજરાતમાં સતા જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી છે.

વર્ષોથી સવર્ણ સમાજ એ ભાજપનો કમીટેડ મતદાર રહ્યો છે. પડકારોના પહાડ વચ્ચે પણ ઈત્તર સમાજ ભાજપની ઢાલ બની રીતસર ઉભો રહી ગયો હતો. પ્રથમ તબકકાના મતદાનમાં તો મતદાનની અવધી શ‚ થાય તે પહેલા જ મથકો પર લાંબી લાઈનો લાગી ગઈ હતી ત્યારે જ રાજકીય પંડિતોમાં એવી ચર્ચાઓ જોવા મળતી હતી કે ઈત્તર સમાજ ફરી ભાજપને બચાવવા માટે નિકળી પડયો છે. છેલ્લી પાંચ ચૂંટણીથી ભાજપ સામે ગુજરાતમાં કોઈને કોઈ પડકાર હોય છે છતાં કમળ સોળે કલાએ ખીલી ઉઠે છે. જયારે ૧૯૯૫માં જયારે પ્રથમ વખત ભાજપે ગુજરાતમાં સરકાર બનાવી ત્યારે ભાજપના કદાવર નેતા શંકરસિંહ વાઘેલા પક્ષની સામે પડયા હતા અને બળવો કરી પોતાની સરકાર બનાવી હતી. જેના કારણે ૧૯૯૮માં રાજયમાં અણધારી ચૂંટણી આવી પડી હતી. જેમાં શંકરસિંહ વાઘેલાની રાજપા સામે ભાજપ બહુમતી સાથે સરકાર રચવામાં સફળ રહ્યું હતું.

૨૦૦૨માં ગોધરા કાંડ જેવો મુદ્દો ભાજપ સામે હતો જેનો પક્ષને પુરો ફાયદો મળ્યો હતો. દરમિયાન ૨૦૦૭ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના જ અસંતુષ્ટ ધારાસભ્યોએ બળવો પોકારી મહાગુજરાત જનતા પાર્ટી નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો. જોકે તેમાં અસંતુષ્ટો સફળતા હાંસિલ કરવામાં અસફળ રહ્યા છે. રાજયમાં ચોથી વખત ભાજપની બહુમતી સાથે સરકાર બની હતી. ૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાજપની સામે પડયા હતા. ગુજરાત પરીવર્તન પાર્ટીના નામે તેઓએ નવી પાર્ટી બનાવી હતી અને ભાજપને સામે પડકારફેંકયો હતો. જોકે આ વખતે ભાજપ આ પડકારનો સામનો કરવામાં સફળ રહ્યું હતું અને ૧૧૫ બેઠકો સાથે વિજેતા બન્યું હતું.

વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ સામે પાટીદાર અનામત આંદોલન, ઓબીસી અને દલિત ફેકટર, નોટબંધી, જીએસટી, ખેડૂતોને ખેતપેદાશોના મળતા અપુરતા ભાવો સહિતના અનેક મુદાઓ હતા. આવા કપરા સમયે પણ કમીટેડ વોટર ભાજપ માટે સંજીવની બન્યો હોવાનું સાબિત થયું છે. ગુજરાતવાસીઓએ ફરી એક વખત એ વાત પુરવાર કરી દીધી છે કે ગુજરાતમાં જાતિવાદ કે જ્ઞાતિવાદની નહીં પરંતુ વિકાસની રાજનીતિ ચાલે છે. વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીના હાથમાં ફરી એક વખત ગુજરાતની જનતાએ શાસનની દોર સોંપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.